- સિન્થેટિક વેપારના કારણે ઉદ્યોગકારોને લાભ મળશે
- આવનારા દિવસોમાં હીરા ઉદ્યોગને વધુ વેગ મળશે
- એનડીએ સરકારનું આ બજેટ ખૂબ જ સકારાત્મક સુરતમાં જેમ એન્ડ જ્વેલરી અને હીરાઉદ્યોગના ઉદ્યોગપતિઓએ બજેટને આવકાર્યુ
સુરત: જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, એનડીએ સરકારનું આ બજેટ ખૂબ જ સકારાત્મક છે. આ બજેટને હું 10માંથી 9 માર્ક્સ આપીશ. અમારી માગણી હતી કે, ગોલ્ડ અને સિલ્વર પર ડ્યુટી ઓછી કરવામાં આવે. આ માગણી સરકારે સ્વીકારી છે. સિન્થેટિક ડાયમંડના ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. કટિંગ અને પોલિશિંગ ડાયમંડને લઈ માગણી કરવામાં આવી છે. હાલ વિસ્તૃત જાણકારી નથી પણ અંદાજો છે કે તેમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેના કારણે આવનારા દિવસોમાં હીરા ઉદ્યોગને વધુ વેગ મળશે. સિન્થેટિક વેપારના કારણે ઉદ્યોગકારોને લાભ મળશે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.
12.50 ટકાથી ઘટાડીને 10 ટકા સરકારે કરી
ગુજરાત બુલીયન જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ નયનેશ પચ્ચીગર જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જ અમારી માંગણી હતી. તેમાંથી બે માગણીઓ પૂર્ણ થઈ છે. જેથી હું આ બજેટને 10 માંથી 7 માર્ક્સ આપું છું. કોરોના કાળમાં સૌથી અસરગ્રસ્ત કોઈ ઉદ્યોગ હોય તો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ છે. જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ચાર ટકા કરવાની અમારી માંગણી હતી. જેને 12.50 ટકાથી ઘટાડીને 10 ટકા સરકારે કરી છે, જે સ્વાગત યોગ્ય છે. હજુ પણ ઘણી માગણીઓ પૂર્ણ થઇ નથી, પરંતુ જે સિન્થેટિક ડાયમંડમાં કસ્ટમ ડ્યુટી વધારવામાં આવ્યો છે તે આવકારદાયક છે.