મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ સરકારી શાળાના પ્રાંગણમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઇ રહી છે. આ પ્રથમ વાર છે કે, સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોય. ગત કેટલાક સમયથી થઇ રહેલી બાળકીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં રાખી સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરી શકે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલની શાળાઓમાં ખાસ ટ્રેનર વિદ્યાર્થિનીઓને આ ટ્રેનિંગ આપી રહ્યા છે.
સુમન હાઈસ્કૂલની શાળા 7 અને 8ની વિદ્યાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં કેવી રીતે પોતાનો સ્વબચાવ કરવાનો છે તેની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે તેની સમજણ પણ આ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે. બાળકીઓને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પોતાની સાથે સ્વબચાવ માટે યુ પિન, સ્પ્રે વગેરે જેવી વસ્તુઓ પોતાની સાથે બેગમાં રાખે જેથી કરીને વિકટ પરિસ્થિતિમાં તે કામ આવી શકે.
સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને આ ટ્રેનિંગ આપવા માટે ફંડ જાહેર કર્યું છે. સરકારી શાળાઓમાં ચાલનારા ત્રણ મહિનાના કોર્સ માટે દરેક શાળાને સરકાર 9 હજારનો ખર્ચ પણ આપી રહી છે. ત્રણ મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થિનીઓને સ્વબચાવની ટેક્નિક શીખવવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓને કારણે લોકોમાં ભારે રોષ છે, ત્યારે બાળકીઓને મજબૂત બનાવવાની પહેલ પ્રથમવાર સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે. જેથી કરીને વિકટ પરિસ્થિતિમાં પોલીસ આવે એ પહેલા બાળકીઓ પોતાનું રક્ષણ કરી શકે.