- મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સુરતમાં યોજાયો રોજગાર મેળો
- ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વિંગે કર્યું આયોજન
- 20 અને 27 ડિસેમ્બરે પણ મહિલાઓ માટે રોજગાર મેળો યોજાશે
- સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો રોજગાર મેળો
- 32 નોકરીદાતાઓએ મહિલાઓની કરી સીધી ભરતી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ સતત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ દિશામાં આજે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં આયોજિત કરવામાં આવેલા આ મહિલા રોજગાર મેળામાં 370 મહિલાએ ભાગ લીધો હતો. કુલ 63 કંપનીએ મહિલાઓને જોબ આપવાના પ્રયત્નો કર્યા હતા. સવારે 9.30થી બપોરે 3.30 વાગ્યા સુધી ચાલેલા આ જોબ ફેરના અંતે 32 નોકરીદાતાઓ દ્વારા પર જેટલી નોકરી વાંચ્છુકોને સીધી ભરતી આપી હતી. આ ઉપરાંત બીજા 20 નોકરીદાતાઓ દ્વારા 70 નોકરી વાંચ્છુકોને રોજગાર આપવા માટેનો બીજો કોલ આપવામાં આવ્યો છે.
જનરલ જોબ ફેરનું આયોજન કરવામાં આવશે
કાર્યક્રમનું સંચાલન કરતા માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજના આયોજનથી ચેમ્બરનો ઉત્સાહ બેવડાયો છે અને તેથી રવિવારે 20 ડિસેમ્બરે જનરલ જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત એના આવતા રવિવારે એટલે કે 27 ડિસેમ્બરે કતારગામ ખાતે સૌરાષ્ટ્ર સમાજની સાથે રહીને વધુ એક જોબ ફેરનું આયોજન કરવામાં આવશે.
ઘરે બેઠા પાર્ટ ટાઈમ બિઝનેસ કેવી રીતે થઈ શકે તેની વિસ્તૃત છણાવટ કરી
ચેમ્બરની ડિજિટલ મીડિયા કમિટીના સલાહકાર રાજેશ દેસાઈ અને ચેરમેન ફોરમ મારફતિયાએ ઈન્ટરવ્યૂની ટેકિનક અને નોકરીની સાથે સાથે ઘરે બેઠા પાર્ટ ટાઈમ બિઝનેસ કેવી રીતે થઈ શકે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.