- સુરત ટ્રાફિક પોલીસ કોરોના સંક્રમણથી બચવા કર્યો ઉપાય
- દંડની વસૂલી માટે કોન્ટેક્ટ લેસ અને કેશલેસ થશે વસૂલી
- હેન્ડ હેલ્ડ ડિવાઈસ દ્વારા કરાશે દંડની વસૂલાત
સુરત : શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી હવે ટ્રાફિક નિયમભંગ દંડની વસૂલી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કોન્ટેક્ટ લેસ અને કેશલેસ પદ્ધતિથી કરવામાં આવશે. આજથી આ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ટ્રાફિક નિયમભંગ કરનાર લોકો પાસેથી સુરત પોલીસ હેન્ડ હેલ્ડ ડિવાઇસ સહિત ઈ પોકેટ માધ્યમથી દંડની રકમ વસૂલશે.
આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું
એક બેંક દ્વારા 50 ડીવાઈસ ટ્રાફિક શાખાને અપાયાં
આ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સુરત શહેરની જનતાને કોન્ટેક્ટલેસ ચલણ તેમજ તેના કેશલેસ પેમેન્ટની પહેલ કરવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા 50 જેટલા હેન્ડ હેલ્ડ ડિવાઇસ ટ્રાફિક શાખાને આપવામાં આવ્યાં છે. કુલ 51 જેટલા ટ્રાફિક નિયમ ભંગના કિસ્સામાં સમાધાન શુલ્ક આ પદ્ધતિ દ્વારા વસૂલાત કરવામાં આવશે. નિયમભંગ કરનારને સ્થળ પર જ પાવતી આપી શકાશે..
કેશલેસ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે
તેઓએ જણાવ્યું હતું કે અન્ય ઇ પોકેટના માધ્યમથી નિયમ ભંગ કરનાર લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે. ભરવામાં આવેલી રકમની પાવતી ઉપરાંત લોકોને એસ.એમ.એસ.થી પણ જાણ થશે. ટ્રાફિક શાખાના એસીપી, પીઆઇ, પીએસઆઇને હેન્ડ હેલ્ડ ડિવાઈસ આપવામાં આવ્યાં છે. દિવસના અંતે રોકડ રકમનો હિસાબ કઈ પદ્ધતિથી કેટલા ટ્રાન્ઝેક્શન થયાં તેનો અલગ અલગ હિસાબ રિજિયન કચેરીએથી મળી શકશે. લોકો રોકડ રકમ પણ ભરી શકશે.
આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનો બન્યા યમરાજ, નિયમો ભંગ કરનારાઓને શપથ લેવડાવી