બારડોલીઃ બારડોલીમાં આવેલી શ્રીનગર સોસાયટીની ગટર છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી હોવાથી સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી. રહીશોની ફરિયાદ બાદ પાલિકાએ કામ તો શરૂ કર્યું પણ ગટરનો નકશો ન હોવાથી આખો રસ્તો ખોદી કાઢ્યો છતાં ગટર લાઈન જ ન મળી. મળતી માહિતી અનુસાર, બારડોલી નગરમાં આવેલા શ્રીનગરમાં છેલ્લા 10 દિવસથી સોસાયટીની ગટરો ઉભરાતી હોવાથી સોસાયટીના રહીશોએ બારડોલી નગરપાલિકામાં ફરિયાદ કરી હતી. આથી ગટર વિભાગના કર્મચારીઓએ કામ શરૂ કર્યું હતું. પણ ગટરનો નકશો ન હોવાથી ગટર લાઈન મળી ન હતી.
છેવટે આખો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો છતાં કોઈ સફળતા મળી ન હતી. હાલમાં ખોદેલા રસ્તાથી શ્રીનગર સોસાયટીના પ્રવેશદ્વારનો રસ્તો બંધ છે. કાર, મોટરસાયકલ કે અન્ય વાહનો જઈ શકતા નથી. સોસાયટીના રહીશોએ હૂડકો સોસાયટીમાંથી શિવાજી સર્કલ પાસેથી મેઈન રોડ પર જવું પડે છે. આથી બે કિમીનો ચકરાવો કરવો પડી રહ્યો હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે.