- તાપી નદી ઉપર પાલ અને ઉમરા એપ્રોચના નડતરરૂપ મિલકતો હટાવવાની કામગીરી શરૂ
- કોર્ટમાં થયેલા સમાધાનની તારીખ પૂરી થયા છતાં પણ મિલકતદારોએ સહકાર આપ્યો ન હતો
- અઢી વર્ષથી ઉમરા તરફના મિલકતદારોએ કબજો ન આપતા પાલ ઉમરા બ્રિજનું કામ અટક્યું
સુરતઃ પાલ ઉમરા બ્રિજની કામગીરી 95 ટકા પૂરી થઈ ગઈ છે, પરંતુ અઢી વર્ષથી ઉમરા તરફના મિલકતદારોએ કબજો ન આપતા પાલ ઉમરા બ્રિજની અટકી ગઈ હતી. પાલિકાની વાટાઘાટ અને દોરીની કામગીરી છતાં પણ મિલકતદારોએ કબજો આપ્યો ન હતો. કોર્ટમાં થયેલા સમાધાનની તારીખ પૂરી થયા છતા પણ મિલકતદારોએ સહકાર આપ્યો ન હતો. આથી આજે પોલીસની મદદથી પાલિકાએ મિલકતનો કબજો લેવાનું શરૂ કર્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ડિમોલિશન કરવા પહોંચી હતી ત્યારે લોકોએ આક્રમક વિરોધ કર્યો હતો.
લાખો વાહનચાલકોને મોટી રાહત મળવાની છે
પાલ-ઉમરા બ્રિજનું નિર્માણ કાર્ય હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થતાં રાંદેર અને અઠવા ઝોનના લાખો વાહન ચાલકોને મોટી રાહત મળવાની છે. આ ઉપરાંત બ્રિજના એપ્રોચની 2 ટકા કામગીરી પૂર્ણ થતાની સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ મળવાનો છે.
અસરગ્રસ્ત મિલકતદારોને પાલિકાએ જંત્રી મુજબ, મકાન માટે જમીનની ફાળવણી કરી છે. જ્યાર સુધી મકાન બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી પ્રતિ મકાનમાલિકને રૂપિયા 12 હજાર ભાડું આવવાનું નક્કી કર્યું છે. વર્તમાન મકાનનો બાંધકામનો ખર્ચ પણ પાલિકાએ આપ્યું છે. જોકે, પોલીસે મચક ન આપતા ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. છતાં પણ હજી લોકો વિરોધ કરી રહ્યા છે. પોલીસ વિરોધ કરતા લોકોની અટકાયત કરી રહ્યું છે અને બીજી તરફ ડિમોલિશન ચાલી રહ્યું છે.