- કોરોના ફેઝ-2માં ઓક્સિજનની ડિમાન્ડ ઘટી
- અગાઉથી જ કોરોનાની સારવાર શરૂ કરી દેતા હોય છે
સુરત: શહેરમાં દરરોજ અઢીસોથી ત્રણસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે અત્યંત ગંભીર ગણાતા દર્દીઓને ઓક્સિજન આપવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ જ કારણ છે કે ઓક્સિજન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં મળી રહ્યું છે. કોરોના અંગે લોકો જાગૃત થઈ ગયા છે કે અગાઉથી જ કોરોનાની સારવાર શરૂ કરી દેતા હોય છે. જેથી યોગ્ય સારવારના કારણે હાલ દર્દીઓ ગંભીર સ્તર સુધી નથી પહોંચતા અને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડે છે.
કોઈપણ વાઇરસ વધારે સમય સમાજમાં રહે તો તેની અસર પણ ઓછી થઈ જતી હોય છે
સુરતના જાણીતા ફેફસાના ડૉક્ટર સમીર ગામીના જણાવ્યા મુજબ ફેઝ 1 કરતા ફેઝ 2 માં એવા દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે જેમને ઓક્સિજનની જરૂરિયાત હોય. આ પાછળનું કારણ એ છે કે લોકો આટલી હદે જાગૃત થઈ ગયા છે કે ડૉક્ટરની પાસે આવ્યા પહેલા જ પોતાનો કોરોના રિપોર્ટ કરાવી દે છે અને સમયસર સારવાર લઇ લે છે. કોઈપણ વાઇરસ વધારે સમય સમાજમાં રહે તો તેની અસર પણ ઓછી થઈ જતી હોય છે. આ જ કારણ છે કે હાલના સમયે વધુ ગંભીર થનાર દર્દીઓની સંખ્યા ઓછી થતાં ઓક્સિજનની જરૂરિયાત પડતી નથી.
તંત્ર દ્વારા ઓક્સિજનના ટેન્ક લગાડવામાં આવ્યા
સુરતની હૉસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરનારા એ. ડી. મોરેએ જણાવ્યું હતું કે, જે રીતે જૂન-જુલાઈમાં અચાનક જ ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ હતી તે હાલ ફેઝ- 2 માં જોવા મળી રહી નથી. સુરતના સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા જે ઓક્સિજનના ટેન્ક લગાડવામાં આવ્યા છે તેના કારણે હાલ ઓક્સિજનની જરુરત પડી રહી નથી. જ્યારે નાના ઓક્સિજન સિલિન્ડરમાં અગાઉ દરરોજના 300 થી 350 સિલિન્ડરની ડિમાન્ડ હતી તે પણ ઘટીને હાલ 100 થી 150 સુધી થઈ ગઈ છે.