- જન્માષ્ટમીમાં માટલીઓના વેપાર પર લાગ્યું કોરોનાનું ગ્રહણ
- દહીંહાંડી માટે માટલીઓ ન વેચાતાં વેપારીઓને નુકસાન થશે
- આ વર્ષે પણ શહેરમાં દહીંહાંડીના કાર્યક્રમો ઉજવવામાં આવશે નહીં
- રાજ્ય સરકાર દ્વારા દહી હાંડીના કાર્યક્રમો પર પ્રતિબંધ
સુરતઃ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી ઉપર કોરોના ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દહીં હાંડીના કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ગયા વર્ષે પણ મૂકવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ. આ વર્ષે કોરોના કેસ ઘટવાની સાથે વેપારીઓમાં એક આશા જાગી હતી કે સરકાર દ્વારા દહીંહાંડીની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવશે ત્યારે માટલીઓનું વેચાણ થશે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ દહીંહાંડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી માટલી વેચનાર વેપારીભાઈઓને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે વેપારીઓ કલરફુલ માટલીઓ 80-90 રૂપિયામાં વેચતા હોય છે અને સાદી માટલીઓ 40-50 રૂપિયામાં વેચતા હોય છે. પરંતુ આ વર્ષે પણ માટલી વેચાશે નહીં અને આ કારણે વેપારીઓને ખૂબ જ નુકસાની થઇ રહી છે.
કુંભારોની હાલત બની કફોડી
જન્માષ્ટમીમાં શહેરમાં અનેક જગ્યાઓ ઉપર શહેરના દહીં હાંડીના ગ્રુપ્સ દ્વારા માટલીઓ ફોડવામાં આવે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના આદેશ મુજબ દહીં હાંડીના કાર્યક્રમો ઉજવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે માટલી વેચનારા વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ છે અને સતત બીજા વર્ષે પણ વેપારીઓને ખોટ ખાવાનો વારો આવ્યો છે. વેપારીઓ દ્વારા એડવાન્સમાં જ માટલીઓ ખરીદી રાખીને મૂકવામાં આવી હતી. વેપારીઓને આશા હતી કે આ વર્ષે દહીં હાંડીમાં અમારી માટલીઓ પણ વેચાશે, પરંતુ રાજ્ય સરકારના આદેશ અનુસાર આ વર્ષે પણ દહીં હાંડીના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સતત બીજા વર્ષે વેપારીઓને નુકસાન
જન્માષ્ટમીમાં માટલીઓ વેચનારા એક વેપારીએ જણાવ્યું કે, "છેલ્લા બાર-તેર વર્ષથી કારોબાર કરી રહ્યો છું. ગયા વર્ષે પણ અમારો જન્માષ્ટમીમાં માટલીનો ધંધો થયો નહીં અને આ વર્ષે પણ મંજૂરી મળી નહીં. માટલીઓ પણ પહેલાંથી મંગાવીને રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે પણ સરકારે મંજૂરી આપી નહીં જેથી અમને નુકસાન થઈ રહ્યું છે. મારી પાસે ડિઝાઇનવાળી માટલીઓ પણ છે અને સાદી માટલીઓ પણ છે. અમારી પાસે ગયા વર્ષની માટલીઓ પણ છે અને આ વર્ષે મંગાવી હતી તે પણ પડી રહી છે. ગયા વર્ષે અમને નુકસાન થયું હતું, આ વર્ષે પણ એવી જ પરિસ્થિતિ છે. હવે કરીએ તો શું કરીએ, આ વર્ષ પણ નુકસાન છે. આ વખતે પણ માટલીઓ નહીં વેચાય. અમે 200થી 300 માટલીઓ બનાવી હતી અને આ ડિઝાઇનવાળી પણ 200 જેવી પડી રહી છે. અમારી માગ છે કે અમને મંજૂરી આપવામાં આવે, સતત બે વર્ષથી અમારો ધંધો નથી થઇ રહ્યો. માટલીઓ પણ પડી રહે છે અને ખરાબ થઇ જાય અમુક માટલીઓ ફૂટી જતી હોય છે અને એ માટલીઓ આગળના વર્ષોમાં કામમાં આવતી નથી."
આ પણ વાંચોઃ સાતમ - આઠમનો તહેવાર મોંઘવારીના કારણે બનશે ફિક્કો
આ પણ વાંચોઃ જે બાળકનું નેત્રદાન કર્યું તેના આરોપીની ધરપકડ થાય તે માટે તરસી રહી છે માતાપિતાની આંખો