સુરતઃ રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યોં છે. 16 એપ્રિલના રોજ સુરત જિલ્લાના ચાર પોલીસ મથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો, તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યાં વહેલી સવારથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
શહેરમાં જે વિસ્તારોમાંથી કોરોનાના વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે તેવા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા વિસ્તારો પર તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. કરફ્યુ રહિત વિસ્તારોમાં એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કરફ્યુમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહીની સાથે વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કરફ્યુ વિસ્તારમાં સતત એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘરોની અંદર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના ચાર પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યુ દરમ્યાન માત્ર બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી માટે છૂટ આપવામાં આવી છે.