- કોલેજમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી
- વિદ્યાર્થીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ગરબે ઘૂમ્યા
- બેદરકારી દાખવવામાં આવે તો સંક્મ્રણ ફરી એક વખત વધી શકે છે
સુરત: એક તરફ ધીમી ગતિએ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ આવનારા તહેવારોમાં લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આ ઉજવણીમાં લોકોએ બેદરકારી દાખવતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા.
બેદરકારી ભારે પડી શકે છે
સુરતના અઠવાગેટ પાસે આવેલી એમટીબી કોલેજમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હતો. અહી વિદ્યાર્થીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ઘરબે ઘૂમ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહી એકઠા થયા હતા અને માસ્ક વગર જ ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી અને ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ઓછુ થયું હતું. પરંતુ સુરતમાં ફરી એક વખત ધીમી ગતિએ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની આવી બેદરકારી ભારે પડી શકે છે. જો આવી બેદરકારી દાખવવામાં આવે તો સંક્રમણ ફરી એક વખત વધી શકે છે.
7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર દરમિયાન 31 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નોંધાયેલા કોરોનાના 31 કેસ પૈકીના 50 ટકા કેસ કોન્ટેક હિસ્ટ્રીવાળા હોવાની માહિતી મળી છે. એટલે કે એક વ્યકિતને કોરોના થયો હોય અને તેના સંપર્કમાં આવેલા બીજાને થયો હોય તેવા કેસ મળી રહ્યાં છે. સૌથી વધુ રાંદેર ઝોનમાં 11, અઠવા ઝોનમાં 9, ઉધના ઝોનમાં 8, કતારગામ ઝોનમાં 2, લિંબાયત ઝોનમાં 1 કેસો નોંધાયા છે. મોટાભાગના કેસ કોન્ટેક્ટ હિસ્ટ્રીવાળા મળી રહ્યા હોવાથી ચિંતા વધી હોવાનું પાલિકાનું કહેવું છે. હાલમા ગણેશોત્સવ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં હોવાથી ગાઈડલાઈનનુ પાલન કરવા પાલિકાએ અપીલ કરી છે.
વધુ વાંચો: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,176 કેસ નોંધાયા
વધુ વાંચો: સુરતની ચાર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં કરાઇ પસંદગી