સુરતઃ વૈશ્વિક મંદી અને કોરોના વાયરસની જેટલી અસર સુરત અને મુંબઇના નાના અને મધ્યમ હરોળના હીરા કારખાનેદારોને પડી રહી છે, તેના કરતાં વધુ મોટી ડાયમંડ કંપનીઓ પડી છે. આ બન્ને સ્થિતિને લઇને વર્કિંગ મૂડી જામ થતાં મોટી ડાયમંડ કંપનીઓએ કરન્સી છૂટી કરવા માટે ઝાડા અને સોલીટેર ડાયમંડ 10 ટકા ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું છે.
હોંગકોંગમાં કોરોના વાયરસની અસરને લીધે 17 માર્ચ સુધી વેકેશન જાહેર કર્યું છે. તે પછી પણ સ્થિતિમાં સુધારો આવતાં 2થી 3 મહિના જેટલો સમય લાગશે. જેથી સુરતના ડાયમંડ મેન્યુફેક્ચરનું માત્ર 40 ટકા કામ રહ્યું છે. આ સાથે મની ક્રાઈસિસ પણ ઊભી થઈ છે. આ ઉપરાંત ડીબિયર્સ અને એલરોઝા જેવી મોટી ડાયમંડ માઇનિંગ કંપનીઓને રફી ઈમ્પોર્ટ માટે પેમેન્ટ ચૂકવવાનું છે.
અત્યારે માર્કેટમાં ઝાડા સોલીટેર હીરાની ડિમાન્ડ છે, ત્યારે મોટા હીરા-ઉદ્યોગકારોએ પણ હવે નીચી કિંમતે હીરા વેચવાનો વારો આવ્યો છે. 0.30થી 0.50 પોઇન્ટર હીરા સહિત 2થી 3 કેરેટના સોલીટર હીરામાં પણ 8થી 10 ટકાની કિંમત ઓછી કરવામાં આવી છે. કોરોના વાયરસની અસરને લીધે ભારતમાં હીરા બજાર ધીમું પડ્યું છે. વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ ક્યારેય પણ તેમના હીરાની કિંમત ઘટાડતી નથી, તે જોતા આજે પણ રફની કિંમત વધુ છે.
ખરીદદારો 8થી દસ ટકા ડિસ્કાઉન્ટ માગી ભારતીય કંપનીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કેટલીક કંપનીઓ વર્કિંગ મૂડી હાથમાં આવે તે માટે ઝાડા હીરામાં 8થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપી રહીં છે. તો વળી, વિદેશી ખરીદદારોએ 90 દિવસની પેમેન્ટના શરતે 8થી 10 ટકા નીચા ભાવે ઝાડા સોલિટર ડાયમંડ ખરીદવાનું શરૂ કર્યું છેે. મંદી અને કોરોના વાયરસની અસરને લીધે ભારતથી જ ચીન જતાં પોલીસ ડાયમંડનો એક્સપોર્ટ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધી 39.06 ટકા ઘટી 71.41 મિલિયન ડૉલર રહી ગયો છે.
એપ્રિલ 2017થી માર્ચ 2018 દરમિયાન ભારતથી ચીનમાં એક્સપોર્ટ 124 મિલિયન યુ.એસ. ડોલર હતો. જે આ અરસામાં 2018થી 2019 દરમિયાન વધીને 169.25 ટકા થયો હતો, જે હવે માત્ર 71 ટકા રહી ગયો છે. હોંગકોંગમાં પણ એક્સ્પોર્ટ 9.62 ટકા ઘટ્યો છે.