- સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ રૂપિયા ત્રણ કરોડ PM અને CM કેર ફંડમાં આપશે
- સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનોએ લીધો નિર્ણય
- આ પૈસા સ્થાનિક સ્તરે વાપરવાને બદલે રાહત ફંડમાં આપવાના નિર્ણયથી સ્થાનિકોમાં નારાજગી
સુરત : સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની ગંભીર સ્થિતિને લઇને રાજ્ય સરકારે જે પણ સહકારી મંડળી કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલું હોય તેમની પાસે જે ફંડ હોય તે ફંડ કોરોનામાં ખર્ચ કરી શકવાની છૂટ આપી છે. તેને પગલે સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો સુરતમાં એકત્ર થયા હતા. જેમાં સુગર મિલ્સ, સહકારી બેન્ક્સ, દૂધ મંડળીઓ, APMC તથા અન્ય સહકાર્ય સંઘોએ મળીને રૂપિયા ત્રણ કરોડથી વધુ રકમ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન રાહત ફંડમાં આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો - સુમુલ ડેરી 108 જેવી એમ્બ્યુલન્સ સેવા પશુઓ માટે શરૂ કરશે
PM અને CM ફંડને બદલે જિલ્લામાં સુવિધાઓ વધુ તેજ બનાવવા માટે પૈસા વાપરવા જોઇએ
આ નિર્ણયને લઈને નારાજગી ફેલાઈ હોવાનું પણ જાણવા મળે છે. કેમ કે, સુરત જિલ્લાની પણ વિકટ પરિસ્થિતિ છે. કોરોના સંક્રમણ કેસ વધવાની સાથે જ જિલ્લામાં દર્દીઓને બેડ મળતા નથી. સુરત જિલ્લામાં 17 લાખની વસ્તી સામે વેન્ટિલેટર નથી, ત્યારે જિલ્લામાં કોરોનાના માટે અદ્યતન સુવિધા ઊભી કરવાની તાતી જરૂરિયાત છે. આવા સમયે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન ફંડને બદલે સુરત જિલ્લામાં સુવિધાઓ વધુ તેજ બનાવવા માટે પૈસા વાપરવા જોઇએ, તેવી માગ કોંગ્રેસ નેતા દર્શન નાયકે કરી છે.
આ પણ વાંચો - સુમુલ ડેરી સામે યુથ કોંગ્રસે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું