મુખ્યપ્રધાને સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન દરમિયાન બેડમિંટનની પણ મજા માણી હતી. સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સાહસિકોને સન્માનપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણથી શાળાના વિદ્યાર્થીઓ સ્વસ્થ રહે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના આપુ છુ. નાનપણથી જ બાળક રમતગમતમાં આગળ વધે અને મોટા થઈને 'ફિટ ઈન્ડિયા'ના સપનાને સાકાર કરે તેવી આશા રાખું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રમાં બાળકો આગળ વધે તે, માટે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બને તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં બાળકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ બાળ વિકાસ કલ્યાણ પ્રધાન, આરોગ્ય પ્રધાન, સાંસદો, ધારાસભ્યો તેમજ સુરત મેયર પણ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યપ્રધાનની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતાં.