- જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના
- ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટની કરી માગણી
સુરત: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા સાંસદ સી.આર. પાટીલ અને દર્શના જરદોશને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ટફ યોજના અંતર્ગત બજેટની માગણી કરી છે.
ટફ યોજના અંતર્ગત રૂ. 1500 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવે તેવી વિનંતી
ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત એ ડાયમંડ તેમજ ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર છે અને ભારતના ઔદ્યોગિક વિકાસનો એક મહત્વનો ભાગ છે. ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજી અને મશીનરી એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ MSME એકમો આ મોંઘી મશીનરી ખરીદવા અથવા ટેકનોલોજીમાં થતા બદલાવને અનુરૂપ અપગ્રેડેશન કરવા સક્ષમ હોતા નથી. ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીના વિકાસાર્થે પ્રાથમિક ધોરણે ટફ અંતર્ગત 1500 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી ભારતના જીડીપીમાં 7 ટકાનો ફાળો આપે છે
સરકાર દ્વારા જરૂરિયાત અનુસાર ટેક્ષ્ટાઇલ અને લેધર જેવી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો મુજબ ટફ સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે ત્યારે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી કે જે ભારતના જીડીપીમાં 7 ટકાનો ફાળો આપે છે તેમજ ભારતભરમાં લગભગ 46.4 લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે તેને માટે આ સ્કીમનું હોવું આવશ્યક બની રહે છે. વિશ્વના લગભગ ૯પ ટકા હીરા સુરતમાં કટ અને પોલીશ થાય છે. તદુપરાંત લેબ ગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે. એટલુ જ નહીં, સુરતમાં વિકાસ પામી રહેલા ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના વ્યવસાયની સંપૂર્ણ વિશ્વ નોંધ લઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડની સાથે સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું પણ હબ બનવાની ક્ષમતા ધરાવે છે.