- અડાજણ વિસ્તારમાં ફરી એક વખત ભાજપનો વિરોધ
- સોસાયટીના ગેટ પર સ્થાનિકોએ બેનર લગાવ્યા
- બેનરમાં લખાણ 'અમે ભાજપને વોટ આપીને ભૂલ કરી છે'
સુરત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેનર લગાવી રાજકારણીઓનો વિરોધ થતો હતો, પરંતુ હજુ પણ આ વિરોધ યથાવત છે. સુરતના અડાજણ વિસ્તારમાં ફરી એક વખત ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. વૉર્ડ નંબર 11 અડાજણ ગોરાટમાં હિમગીરી સોસાયટી આવેલી છે. આ સોસાયટીના ગેટ પર સ્થાનિકોએ બેનર લગાવ્યા છે અને બેનરમાં લખ્યું હતું કે, અમે ભાજપને વોટ આપીને ભૂલ કરી છે. અમોએ છેલ્લા 25 વર્ષથી ભાજપાને વોટ આપ્યો, પરંતુ ભાજપે અમોને છેલ્લા 25 વર્ષથી વિકાસથી દુર રાખ્યા છે. જેથી કરીને આવનારા સમયમાં ભાજપાએ અમારી પાસે વોટની ભીખ માંગવા આવવું નહિ.
સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું
આ બેનર અડાજણ વિસ્તારની સોસાયટીમાં લાગતા સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી રોડ-રસ્તાઓની અનેક સમસ્યાઓ છે. આ અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ અમારી સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. હવે જ્યારે અમે વિરોધ નોધાવ્યો, તો કાર્યકરો દોડતા આવ્યા છે અને હવે અમને અમારી સમસ્યા અંગે પૂછી રહ્યા છે, પરંતુ આજદિન સુધી અમે કઈ પરિસ્થિતિમાં જીવતા હતા તે કોઈ પૂછવા પણ નથી આવ્યું.
આ પણ વાંચો : વડોદરાઃ માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પેરામેડિકલ સ્ટાફને 400થી વધુ PPE કીટ આપવામાં આવી
મેયરના વૉર્ડમાં જ વિરોધ
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ વિરોધી સુર ઉભો થઇ રહ્યો છે. કેટલાક કાર્યકરો અને લોકો આપ પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે. તો બીજી તરફ પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વિરોધ જોવા મળ્યો હતો અને હવે ચોમાસાની શરૂઆત થઇ છે. જેને લઈને લોકોને રોડ રસ્તાઓ અને પાણી ભરાવવા તેમજ ગંદકી જેવી પ્રાથમિક સુવીધો પૂર્ણ ન થતા લોકોનો રોષ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. જેને લઈને સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયેલુ જોવા મળે છે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દલિત અધિકાર મંચ મતથી ભાજપનો વિરોધ કરશે
વોટ માગવા આવતા નેતાઓ પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી ?
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન નેતાઓ લોકો પાસે હાથ જોડીને વોટ માગે છે અને તેઓના તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપે છે, પરંતુ વોટ મેળવ્યા બાદ નેતાઓ ગાયબ થઇ જતા હોય છે. અડાજણની સોસાયટીમાં લાગેલા આ બેનર આ જ પ્રકારની વાત સામે આવી રહી છે, ત્યારે આવનારા સમયમાં રાજકારણ કઈ દિશમાં જોર પકડે છે તે જોવું રહ્યું. આ બધા વચ્ચે આમ જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે તેમાં કોઈ બેમત નથી