બારડોલી: શહેરના અલંકાર સિનેમા પાસે અકસ્માત બાદ રિક્ષા સવાર બે ઇસમો બાઇક ચાલકનું અપહરરણ કરી જવાના ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા બે પૈકી એક આરોપી ચોરીનો રીઢો આરોપી હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
ધવલ દિલીપસિંહ ગોડાદરિયાએ આપેલી ફરિયાદ બાદ પોલીસે તેમના ટૂંકા નામોથી ઇ ગુજકોપ મોસમ પ્રો.એપ્લીકેશન પોકેડકોપમાં સર્ચ કરી આરોપીઓના પૂરા નામ સરનામા તેમજ ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતાં બારડોલીના તલાવડીમાં રહેતા એક આરોપી મહમદ ઉર્ફે મનો સલિમ રસુલ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસ મહમદ સહિત બંને આરોપીઓની તપાસમાં હતી, તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બંને રિક્ષા સાથે તલાવડી નજીક ઊભા છે અને નાસી જવાની ફિરાકમાં છે. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હિદાયત નગરમાં રહેતા મહમદ ઉર્ફે મનો સલિમ શેખ અને રિયાઝ ઉર્ફે દાદુ કાસમ શેખને રિક્ષા સાથે પકડી લીધા હતા, તેમજ તેઓ પાસેથી પોલીસે મોબાઇલ ફોન કબ્જે લઈ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બંનેએ ધવલના અપહરણ અને લૂંટના ગુનાની કબૂલાત કરી હતી.
મહમદ સામે બારડોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં 4 અને 2016માં 1 મળી કુલ 5 ચોરીના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યુ હતું. હાલ બંનેની ધરપકડ કરી કોવિડ-19 ટેસ્ટ કરાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.