- સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ
- આરોપીએ 21 પેઢીઓ બનાવી
- આરોપી ઉમંગ પટેલને જ્યુડિશિયલ કસ્ડીમાં મોકલાયો
સુરત : શહેરમાં રૂપિયા 219.35 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર પાલ અડાજણના ઉમંગ પટેલની ધરપકડ કરી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપી ઉમંગ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો છે.
- 21 બોગસ પેઢીઓ બનાવી
સ્ટેટ GST વિભાગે જૂન 2019માં પાલ ગેલેક્સી સર્કલના સિલ્વર પોઇન્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં હકીકત બહાર આવી હતી કે, બિલ્ડીંગ મટીરીયલ ક્ષેત્રે 21 બોગસ પેઢીઓ બનાવી હતી. જેમાં જયરાજ ટ્રેડર્સ, જેએસઆર ટ્રેડિંગ, જય એન્ટરપ્રાઈઝ, ક્રિષ્ના કોર્પોરેશન, શ્રી એન્ટરપ્રાઇઝ, શિવ ટ્રેડર્સ, યસ એન્ટરપ્રાઇઝ, નવનિધિ કોર્પોરેશન, સ્વસ્તિક કોર્પોરેશન, શિવમ કાર્ટિંગ, શ્રીજી ટ્રેડિંગ, દર્શ કોર્પોરેશન, કનૈયા ટિમ્બર, મહાદેવ સેલ, અનેરી કોર્પોરેશન, શિવશક્તિ મેટલ્સ, શિવમ એન્ટરપ્રાઇઝ, કેકે સેલ્સ એજન્સી, હરિ હર ટ્રેડર્સ, અક્ષર ટ્રેડર્સ અને પ્રમુખ ટ્રેડિંગનો સમાવેશ થાય છે.
- 12 પેઢીઓમાં તેના બિલો મેળવી બોગસ ખરીદી દર્શાવી
આ પેઢીઓ દ્વારા રૂપિયા 219.35 કરોડના બોગસ બિલો ઇશ્યૂ કરી આરોપી ઉમંગ પટેલે 40.30 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે ઉસેટી લીધી છે. ઉમંગ પટેલે જયરાજ રાય અને તેના નોકર કુણાલ ભોજકના મેળાપીપળામાં કૌભાંડ આચર્યું હતું. કોઇપણ ઇનવર્ડ સપ્લાય વગર પોતાની જ અન્ય 12 પેઢીઓમાં તેના બિલો મેળવી બોગસ ખરીદી દર્શાવી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉમંગ પટેલે મેળવી હતી. માલની વાસ્તવિક હેરફેર થઈ નહોતી.
- 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
આ કેસમાં ઉમંગ પટેલ કોર્ટના સમન્સનો અનાદર કરી સ્ટેટ GST સમક્ષ હાજર થતો નહોતો. તે વિદેશ અને ભાવનગર, મુંબઈ જેવા સ્થળોએ છૂપાયો હતો. એક વાર હાજર થયો ત્યારે કોરોના પોઝિટિવ આવતા તેને 14 દિવસો બાદ સ્ટેટમેન્ટ નોંધાવવા બોલાવ્યો હતો. પરંતુ તે આવ્યો નહોતો. તારીકા 27મીએ તેની ધરપકડ કરાઇ હતી. આરોપી ઉમંગ પટેલને કોર્ટમાં રજૂ કરી સ્ટેટ GST વિભાગે આરોપી સતત મોબાઈલ બંધ રાખતો હોવાથી તેમજ ભાગી જતો હોવાથી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે ઉમંગ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો છે.