- સુરતમાં પતંગના દોરામાં લપેટાઈને સિવિલ હોસ્પિટલમાં પડ્યું એક કબૂતર
- નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી રિજનલ વેક્સિન સ્ટોરમાં આવ્યું કબૂતર
- ફરજ પરના કર્મચારીએ કબૂતરની ઊઠાવી તેની તાત્કાલિક સારવાર કરી
સુરત: હાલમાં માનવી કોરોના અને પક્ષીઓ બર્ડ ફ્લૂના ખતરનાક વાઈરસનો સામનો કરી રહ્યા છે. મનુષ્યે તો પોતાની સુરક્ષા માટે વેક્સિન તૈયાર કરી લીધી છે. પક્ષીઓને બર્ડ ફલૂ કરતા પણ હાલમાં જ ઊજવાયેલો ઉત્તરાયણનો તહેવાર વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અનેક પક્ષીઓએ પતંગની કાતિલ દોરીને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હજી પણ શહેરમાં ઠેર ઠેર લટકતી દોરીઓ પક્ષીઓ માટે જીવનું જોખમ સાબિત થઈ રહી છે.
દોરીમાં લપેટાયેલું કબૂતરનો જીવ બચાવ્યો
રવિવારે સવારે પતંગની દોરીમાં લપેટાયેલું એક કબૂતર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા રિજનલ વેક્સિન અને ડ્રગ્સ સ્ટોરમાં આવી ચઢ્યું હતું. આ અબોલ પક્ષીને જોઈ ત્યાં કામ કરતા વેક્સિન સ્ટોરના ઈન્ચાર્જ અતુલ જોબનપુત્ર અને અન્ય સ્ટાફ દ્વારા કબૂતરમાં ભેરવાયેલી દોરી કાઢવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્ટાફ દ્વારા કબૂતરના પગમાં વીંટાળાયેલી દોરીને મહામહેનતે દૂર કરવામાં આવી હતી. સ્વસ્થ થતા જ શાંતિદૂતને મુક્ત ગગનમાં છોડી મૂકવામાં આવ્યું હતું. પતંગની કાતિલ દોરીથી જીવ બચાવનારનો આભાર માનતું હોય તેમ કબૂતર પોતાની મસ્તીમાં તલ્લીન થઈ ફરી આકાશને આંબવા ઉડાન ભરી હતી.
કર્મચારીઓએ કરાવ્યા માનવતાના દર્શન
એક તરફ કોરોનાથી રક્ષણ મેળવવા માનવી માટે શોધાયેલી વેક્સિનની 24 કલાક દેખભાળ કરતા સ્ટાફે કબૂતરની સારવાર કરી પોતાની ફરજની સાથે સાથે માનવતાના દર્શન કરાવ્યા હતા. તેમની આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી.
અહીંથી પાંચ જિલ્લામાં પહોંચડાય છે વેક્સિન
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા આ રિજનલ સ્ટોર રૂમમાં હાલ કોરોનાની વેકસીનનો જથ્થો મૂકવામાં આવ્યો છે. અહીંથી જ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા અને સુરત મહાનગર પાલિકાને વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.