- સિટી લાઈટ વિસ્તારમાં કાપડ વેપારીના પુત્રને એક કાર ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું
- હિટ એન્ડ રન કેસમાં આખરે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી
- પોલીસે આ ઘટનામાં CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો
સુરત: શહેરના સીટી લાઈટના સૂર્ય પ્રકાશ રેસીડેન્સીમાં રહેતા સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી છે અને તેઓ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ સુરતમાં કાપડનો વ્યપાર કરે છે. તેમનો સાડા ત્રણ વર્ષનો દીકરો સેવર ગત ગુરુવારે કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળ મિત્રો સાથે રમતો હતો. તે વેળાએ એક કાર ચાલક તેને અડફેટે લઈને ભાગી ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. સેવરને લોહીના ખાબોચિયામાં લોકો જોઈ ધ્રુજી ગયાં હતાં. તાત્કાલિક પરિવારને જાણ કરતા આખું પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયાં હતાં. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધુસ્કે ધુસ્કે રડી પડ્યો હતો. આ ઘટના અંગે ઉમરા પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
કેમેરાના આધારે આરોપીની ધરપકડ
ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે.આર.મોદીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ અમે સમગ્ર સોસાયટીમાં CCTV કેમેરાની ચકાસણી કરી હતી, તમામ બંધ હતા. જે બાદ અમે સોસાયટીના નજીક આવેલી બિલ્ડીંગ અને રોડ પર લાગેલા CCTV કેમેરાની ચકાસણી કરી હતી. નજીક એક સૂર્યદર્શન એપાર્ટમેન્ટના CCTV કેમેરામાંથી તથા એક્ઝિટ ગેટના કેમેરામાં બંનેનો ટાઈમિંગ જોઈ ચક્કસી તથા બાળકનો મૃત્યુનો સમય કેટલા વાગનો છે એ બધાનો કોમ્બિનેશ કરી એનાલિસિસ કર્યુ ત્યારે એક કાર ચાલક સોસાયટીમાંથી એન્ટ્રી ગેટ ઉપરથી એક્સઝીટ ગેટ તરફ જતો હતો એના દ્વારા આ અકસ્માત બન્યો છે. અમે ગુરુવારે એનો કોવિડનો ટેસ્ટ કરાવી ત્યારબાદ અટક કરી છે. ચાલકનું નામ છે ઝીલ વઘાસીયા જેની ઉમર છે 21 વર્ષ. જે કોલેજમાં અભ્યાસ કરે છે અને એની પાસે લાઇસન્સ નથી. તે મુજબની કલમો પણ એના ઉપર લગાવામાં આવી છે.
પરિવારે બાળકની આંખો દાન કરી હતી
પરિવારે પોતાના વ્હાલસોયા બાળકને તો ગુમાવી દીધો હતો પરંતુ તેની યાદ સદાયને માટે જીવંત રાખી હતી. પરિવારે બાળકની આંખો દાન કરી નવજીવન આપ્યું હતું. પરિવારે કહ્યું હતું કે 'અમે દીકરો ગુમાવ્યો છે પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે, તો અમને જોશે, બસ એ જ અમારી યાદ રહેશે'. તેમ કહી સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેન્કે સ્વિકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, બાળકોની આંખો ભાગ્યે દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.
લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે ડોનેટ આંખ સ્વીકારી હતી
ઉલ્લેખનીય છે કે બાળકની આંખો ડોનેટ કરાઈ હોવાનો સંભવત પહેલો કિસ્સો કહી શકાય છે. ચક્ષુબેંકના ડો. પ્રફુલ સિરોયાએ જણાવ્યું હતું કે, આવા કેસ હજારોમા એક જોવા મળે છે. જેમાં 5 વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે. અગાઉ 2008માં જન્મના 2 કલાક બાદ બાળકનું મૃત્યુ થતા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકએ આંખ ડોનેટ સ્વીકારી હતી. નાની ઉંમરે મળતું આંખનું ડોનેટએ સારામાં સારું પરિણામ આપે છે.
આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી
બાળકને કચડીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. અને ઘણી તપાસ બાદ પણ આરોપી સુધી પોલીસ પહોંચી શકી ન હતી. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા હતા. ત્યારે આખરે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ, પોલીસ દ્વારા લગાવેલા સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે સિટીલાઈટ વાસ્તુપૂજા એપાર્ટમેન્ટમાં રહેતા જિલ હરેશભાઇ વાઘસિયા નામના ઇસમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તે સમયે નિશાન માઈક્રરા કાર તે ચલાવતો હતો.