- ગુરૂવારના રોજ વિશ્વ કિડની દિવસ
- અંગદાન એક જીવનદાન છે
- વિશ્વ કિડની દિવસની ગુરૂવારના રોજ ઉજવણી
સુરતઃ વિશ્વ કિડની દિવસ છે. આજનો દિવસ કિડનીના જનજાગૃતિ માટે જાણીતો છે. જે લોકો કિડનીના રોગથી ગ્રસિત છે. તેઓ આની ભયાનકતા સમજી શકે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટના કારણે જેને નવું જીવનદાન મળ્યું છે. તે સમજી શકે છે કે, તેના જીવનમાં કિડનીનું કેટલુ મહત્વ છે સાથે કિડની આપનારા તેને માટે ઈશ્વર રૂપ છે. આ સંબંધ સુરતના ગાંધી પરિવાર અને વટલાના પરિવાર વચ્ચે જોવા મળી રહ્યો છે.
મનીષ ગાંધીને દાનમાં મળી કિડની
સુરત શહેરના વેપારી મનીષ ગાંધીએ ભુપેન્દ્ર વટનાળાને વર્ષ 2014 પહેલા ઓળખતા ન હતા પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો કે, તેમના પિતાના કારણે આજે તેમને નવું જીવનદાન મળ્યું છે. આજ કારણ છે કે, આજે મનીષ ગાંધી ભુપેન્દ્રભાઈને પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે. ભુપેન્દ્રભાઈના પિતા અકસ્માતમાં ઘાયલ થયા હતા, ત્યારે પરિવારના સભ્યોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી પિતાના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેમના નિર્ણયને કારણે શહેરના વેપારી મનીષ ગાંધીને દાન તરીકે બે કિડની મળી હતી. જેનો ઋણ આજે તેઓ માની રહ્યા છે.
2014માં ડોનેટ લાઈફના કારણે મને રમેશભાઈની કિડની દાનમાં મળી હતી.
આ અંગે મનીષ ગાંધીએ જણાવ્યું હતું કે, વર્ષ 2006માં અકસ્માત નડયો હતો. જેમાં મારી કિડની પર અસર થઈ હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે, જો લાંબા સમય સુધી જીવવું હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. વર્ષ 2006થી વર્ષ 2014 સુધી સારવાર ચાલી હતી. વર્ષ 2011માં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દરખાસ્ત મૂકી હતી અને વર્ષ 2014માં ડોનેટ લાઈફના કારણે મને રમેશભાઈની કિડની દાનમાં મળી હતી. જેના કારણે આજે મને નવજીવન મળ્યું છે. આ જીવન કિડની ડોનરના પરિવારના કારણે છે. જેમના કારણે મને કિડની મળી છે. તેમના પરિવાર સાથે મારો ખૂબ જ સારો સંબંધ છે અને તેઓ મને પિતા તરીકે સંબોધિત કરે છે. હું મારા પ્રત્યેક પ્રસંગમાં તેમને બોલાવું છું હું માત્ર એટલું જ કહીશ કે જીવનમાં રક્તદાન અને અંગદાન જેવા પુણ્યના કાર્ય કરવા જોઈએ. જેના થકી લોકોને એક નવું જીવનદાન મળે છે.
તેમને મળું છું ત્યારે લાગે છે કે હું મારા પિતાને મળી રહ્યો છું
જ્યારે રમેશભાઈના પુત્ર ભુપેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે , મારા પિતાની કિડની મનીષ ગાંધીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. હું જ્યારે પણ તેમને મળું છું ત્યારે લાગે છે કે હું મારા પિતાને મળી રહ્યો છું. તે પણ અમને ખૂબ જ પ્રેમ કરે છે. એક વખત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઉતરાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મેં મનિષભાઇની પતંગની ફિરકી પકડી ત્યારે મને લાગ્યું કે મારા પિતા મારી સાથે છે એ ખૂબ જ સારો અનુભવ છે અને લોકોને અપીલ કરું છું કે તેઓ પણ મારા પિતાની જેમ લોકોની મદદ કરવામાં આગળ આવે.