- કોરોના વોરિયર્સ દર્દીઓના જીવ બચાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે
- ચાર માસનો ગર્ભ ધરાવતી મુસ્લિમ નર્સ રોજા રાખી કરે છે દર્દીઓની સેવા
- અટલ સેન્ટરમાં આપે છે નિયમિત સેવા
સુરત: પવિત્ર રમઝાનમાં સેવાને જ ઈબાદત સમજીને ચાર માસના ગર્ભ સાથે કોવિડ સેન્ટરમાં નર્સ દર્દીઓને સેવા આપી રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે રોજા રાખવા ખૂબ જ કઠિન છે અને ખાસ કરીને જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે આ સ્થિતિ સમજી શકાય, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ સુરતની એક નર્સ એક તરફ રોજા રાખે છે અને બીજી બાજુ કોવિડના દર્દીઓની સેવા આપે છે. મહિલા નર્સના સમર્પણને લોકો સલામ આપે છે.
આ પણ વાંચો: કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરે છે
સુરતના અલથાણ કોમ્યુનિટી હોલના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં એક મુસ્લિમ ગર્ભવતી નર્સ 8થી 10 કલાક સુધી દર્દીઓની સેવા કરી રહી છે. ગર્ભવતી હોવા છતાં તે એક બાજુ કોવિડ દર્દીઓને સેવા આપી રહી છે ત્યારે બીજી બાજુ પવિત્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરે છે. 29 વર્ષના નેન્સી આઇઝન દર્દીઓની સેવા પણ ઈબાદત સમજીને કરી રહી છે. આવી પરિસ્થિતિમાં જે રીતે દર્દીની સેવા આપે છે, દર્દીઓ પણ તેમને ખુબ જ આશીર્વાદ આપી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં રમઝાન માસને લઇ પાલિકા કમિશ્નરે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી
કોરોનાની પ્રથમ લહેરમાં પણ આ જ અટલ સેન્ટરમાં સેવા આપી
નેન્સી પર કોરોનાના માહોલમાં ગર્ભમાં રહેલા શિશુને સલામત રાખવાની જવાબદારી છે, તો આ સાથે ફરજની જવાબદારી પણ છે. આ બન્ને બાબતો તે સારી રીતે પૂર્ણ કરી રહી છે. નેન્સી દર્દીઓને સાજા કરી, ઘરે મોકલવામાં વ્યસ્ત બની છે. અટલ કોવિડ કેર આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને સેવા આપનારી નેન્સીએ જણાવ્યું કે, આ પ્રથમવાર નથી કે હું કોરોના દર્દીઓને સારવાર આપી રહી છું. અગાઉ પણ જ્યારે પ્રથમ લહેર હતી ત્યારે પણ આ જ અટલ સેન્ટરમાં સેવા આપી રહી હતી. અત્યારે બીજી લહેર વખતે હું ગર્ભવતી છું, પરંતુ મારા માટે મારી ફરજ પહેલા છે અને અટલ સેન્ટરમાં નિયમિત સેવા આપું છું. રમઝાનના પાક મહિનામાં માલિકની દયાથી મને બીજાની મદદ કરવાનો મોકો મળ્યો છે.