- સુમુલ ડેરી રોડ પરથી બાળકને 2 સોનાની લગડીઓ મળી
- લગડીના માલિકે બાળકને 2500 રુપિયા બક્ષિસ આપવાનો પ્રયાસ કર્યો
- બાળકે રમકડું વેચી બક્ષિસ બદલ માન્યો આભાર
સુરત: મંગળવારે સુમુલ ડેરી રોડ ઉપર રમકડાં વેચનાર બાળકે માનવતા મહેકાવી. આ બાળક પહેલાથી જ મૂક-બધિર છે અને રમકડાં વેચી ગુજરાન ચલાવે છે. તેણે રસ્તા પરથી મળેલી સોનાની લગડી તેના માલિકને પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રમકડાં વેચતા બાળકને મળી 2 સોનાની લગડી
બાળક રમકડાં વેચતો હતો તે દરમિયાન આ તેને અચાનક રસ્તા ઉપરથી 2 નંગ સોનાની લગડી મળી આવી હતી. તે લગડી લઈ તે સુમુલ ડેરીના પાર્લર પર ગયો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને લગડી ક્યાંથી મળી ત્યારે મૂંગા બાળકે ઈશારો કરી સમગ્ર ઘટના સમજાવી. સોનાની લગડી આપ્યા બાદ બાળકે ઈશારાથી એમ સમજાવ્યુ કે, આ મને રસ્તા ઉપરથી મળી આવી છે ત્યારે સુમુલ પાર્લરના ઓનરે બાળકને બેસાડીને નાસ્તો આપ્યો. થોડા સમય બાદ એક આધેડ આવ્યા અને તેમણે લગડી વિશે પૂછ્યું. લગડીની ઓળખ કરાવી સુમુલ પાર્લરના ઓનરે આધેડને લગડી પરત આપી.
બક્ષિસ રૂપ પૈસા લેવાની પણ બાળકે ના પાડી
સોનાની લગડી પરત કર્યા બાદ આધેડને બાળક વિશે જણાવવામાં આવ્યું. આધેડને એ જાણીને નવાઈ લાગી કે બાળક મૂક-બધિર છે અને તેમણે બાળકને ઈમાનદારી બદ્દલ 2500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો પણ તેણે તે લેવાની પણ ના પાડી. વધુ પૂછતા આધેડને જાણવા મળ્યું કે, આ બાળક રમકડાં વેચે છે. બાળકે પૈસા ન લીધા પરંતુ તેણે આધેડને એક રમકડું આપ્યું અને તેમને હાથ જોડી માત્ર રમકડાંની કિંમત જેટલા જ પૈસા આપવા વિનંતી કરી.