- મઢી અને બારડોલીમાંથી મળી આવ્યા હતા મૃત કાગડાઓ
- મઢીથી મળેલા બે કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- લોકોને ચિંતા ન કરવા ઈશ્વર પરમારની અપીલ
સુરત : બારડોલી તાલુકાના મઢી ગામે મળી આવેલા 4 મૃત કાગડાઓ પૈકી 2 કાગડાઓના રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે ,બર્ડ ફ્લૂને લઈને પશુપાલનની ટીમ તપાસ કરી રહી છે. ટુંક સમમાં જ બર્ડ ફ્લૂના સંક્રમણ પર પણ કાબૂ મેળવી લેવાશે.
મઢીમાં 2 અને બારડોલીમાં 1 કાગડાનો રિપોર્ટ પોઝિટિવ
બારડોલી તાલુકાના મઢી ઉપરાંત મોતા અને બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં અલગ અલગ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે પૈકી ગત રોજ મઢીમાં મળી આવેલા 4 પૈકી 2 કાગડાઓના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાની હકીકત સામે આવી હતી. જ્યારે સોમવારના રોજ બારડોલીમાં 1 કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સરકાર આવશ્યક પગલાં લઈ રહી છે : ઈશ્વર પરમાર
સમગ્ર ઘટના અંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યુ હતું કે, બારડોલી તાલુકામાં જે કેસો મળી આવ્યા છે. તે માટે સરકાર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.પશુપાલન વિભાગ સાથે સંકલનમાં રહી તંત્ર પણ જે તે વિસ્તારોમાં આવશ્યક પગલાઓ લઈ રહ્યું છે. આ રોગ પક્ષીમાં જોવા મળતો હોય છે. મનુષ્યમાં તેની ભાગ્યે જ અસર દેખાય છે. તેમ છતાં પક્ષીઓમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં રોગ પર કાબૂ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.