- ઋષિએ સમગ્ર દેશમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું
- IIM સહિતની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાય છે આ પરીક્ષા
- ટોપ 25માં સ્થાન મળતા અમદાવાદ IIMમાં પ્રવેશના દરવાજા ખુલ્યા
સુરત: સુરતના 21 વર્ષીય ઋષિ પટેલે CATની પરીક્ષામાં દેશભરમાં ટોપ 25માં સ્થાન મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. IIT દિલ્હીમાં બી.ટેકનો અભ્યાસ કરી રહેલા ઋષિની આ સિદ્ધિથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. CATની પરીક્ષા ટોપ સ્કોર સાથે પ્રાપ્ત કરતા જ ઋષિ માટે IIM અમદાવાદમાં પ્રવેશના દરવાજા ખુલી ગયા છે.
પિતા ઈજનેર અને માતા હાઉસ વાઈફ
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સંસ્કાર પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપ પટેલ રિલાયન્સ કંપનીમાં ઈજનેર છે અને તેમના પત્ની હાઉસ વાઈફ છે. તેમનો એકનો એક દીકરો 21 વર્ષીય ઋષિ પટેલ હાલ IIT દિલ્હીમાં બી.ટેકના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છે.
29મી નવેમ્બર, 2020ના રોજ યોજાઈ હતી પરીક્ષા
ઋષિએ IIMમાં એડમિશન મેળવવા માટે 29મી નવેમ્બર 2020ના રોજ CATની પરીક્ષા આપી હતી. સમગ્ર દેશમાંથી 2.27 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાંથી 9 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં ઋષિએ 99.99 પરસન્ટાઇલ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. ઋષિને સમગ્ર ભારતમાં ટોપ 25માં સ્થાન મળ્યું છે.
![ઋષિ પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-city-03-top25-video-story-gj10039_03012021190149_0301f_1609680709_955.jpg)
100 પરસેન્ટાઇલની આશા હતી
ઋષિએ જણાવ્યું હતું કે, CATની પરીક્ષા માટે તેને કોઈ ખાસ મહેનત કરી ન હતી. સામાન્ય વાંચન સાથે જ પરીક્ષા આપી હતી. મને વિશ્વાસ હતો કે, મને 100 પરસેન્ટાઇલ મળશે, પરંતુ 99.99 પરસેન્ટાઇલ સાથે પણ હું ખુશ છું.
MBAમાં પ્રવેશ મેળવી આગળ વધવાનું ઈચ્છા
આ પરિણામથી IIM અમદાવાદમાં પ્રવેશની મારી ઈચ્છા પૂરી થશે. ઘર નજીક જ એડમિશન મળે તો પરિવાર સાથે પર રહી શકાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમને MBAમાં પ્રવેશ મેળવી ફાયનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા છે.
આગળ અભ્યાસ કરવો હોય નોકરી ન સ્વીકારી
9માં ધોરણથી જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ઋષિને IIT દિલ્હીના કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ભારતની મોટી સોલાર એનર્જી કંપનીમાં ઓફર આવી હતી, પરંતુ આગળ અભ્યાસ કરવાની ઈચ્છાને કારણે કોઈ નિર્ણય લીધો ન હતો.