- નેતાજી સુભાષચંદ્ર બોઝ લશ્કરી એકેડેમીનો વર્ક ઓર્ડર અપાયો
- સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં વર્ક ઓર્ડર અપાયો
- સેલવાસમાં રાંધા ખાતે બનશે મિલીટરી સ્કૂલ
- 50 કરોડના ખર્ચે નિર્માણ થશે એકેડમી
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોટા રાંધા ક્ષેત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીનું ભવન નિર્માણ 50 કરોડના ખર્ચે થશે. આ સંકુલ 18 એકરમાં પથરાયેલી હશે. જેનો વર્ક ઓર્ડર Shanti Infraspace LLP નામની જાણીતી એજન્સીને સોંપવામાં આવ્યો છે.
આ એકેડમી સંકુલનું નિર્માણ કાર્ય 2022માં કરાશે પૂર્ણ
આ એકેડમીના સંકુલનું નિર્માણ કાર્ય આગામી વર્ષ 2022માં પૂર્ણ કરવામાં આવશે. દેશના આઝાદીના 75માં વર્ષની ઉજવણી સાથે અહીં કેન્દ્રશાસિત પ્રદેશ, વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી બાળકો શાળા અભ્યાસ સાથે સૈનિક તાલીમ મેળવી શકશે. સંઘપ્રદેશમાં પ્રદેશના બાળકોમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કરી રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની આ પ્રથમ પહેલ છે. જો કે, વિદ્યા ભારતી સંસ્થા દેશના 28 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત છે.
![નેતાજી સુભાષચંદ્ર બોઝ લશ્કરી એકેડેમીનો અપાયો વર્ક ઓર્ડર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:25:15:1626522915_gj-dnh-01-military-school-work-order-photo-gj10020_17072021161314_1707f_1626518594_1012.jpg)
દાદરા નગર હવેલીના રાંધા ક્ષેત્રમાં બનશે નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલ
2022માં શાળાના ભવનનું નિર્માણ કાર્ય પૂરું થયા બાદ ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં તમામ બાળકોએ શાળા સંકુલમાં રહીને અભ્યાસ અને તાલીમ મેળવવી પડશે. 630 બાળકોની ક્ષમતા સાથેના અત્યાધુનિક શાળા સંકુલમાં દરરોજ શારીરિક કસરતો, પરેડ અને કવાયત, પર્વતારોહણની તાલીમ, યોગ, મેદાની રમતો, સ્વિમિંગ, ઘોડેસવારી, રાઇફલ ટ્રેનિંગ, ધનુરવિદ્યા, મેપ રીડિંગ, લશ્કરી અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે.
સેનાના અધિકારીઓ બાળકોને આપશે તાલીમ
ઉલ્લેખનીય છે કે, આ સૈનિક સ્કૂલમાં સેનાના નિવૃત જવાનો, સેનામાં કાર્યરત અધિકારીઓ સાથે સંકલન સાધી તેમની પાસે બાળકોને અભ્યાસની તાલીમ આપવામાં આવશે. બાંધકામનો વર્ક ઓર્ડર વિદ્યાભારતી ગુજરાત સંગઠનના સભ્યો, નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલ કમિટીના પ્રમુખ બદરુદ્દીન હાલાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાંતિ ઇન્ફ્રાસ્પેસ એલએલપીને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે અપાયો હતો.