- દાદરા નગર હવેલીમાં વેક્સિન માટે ઉત્સાહ
- પ્રથમ દિવસે 1,000 યુવાનોને ડોઝ અપાયા
- 3 સ્થળો પર વેક્સિનેશન શરૂ કરાયું
- વેક્સિન પહેલા કોવિડ ટેસ્ટ ફરજિયાત
સેલવાસ: દેશમાં કોરોનાની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે અને ત્રીજી લહેર હજુ વધુ જીવલેણ હોવાનું તબીબોનું માનવું છે, ત્યારે દેશના યુવાનો આ મહામારી સામે રક્ષણ મેળવી શકે તે માટે 18થી 44 વર્ષની વયના લોકોને પણ વેક્સિન ડોઝ મૂકવા માટે તૈયારી આરંભી દીધી છે. દાદરા નગર હવેલીમાં ગુરુવારે પ્રથમ દિવસે 3 સ્થળો પર 1,000 યુવાનોએ ઉત્સાહભેર વેક્સિનેશન ડોઝ લીધા હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું
વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ
દાદરા નગર હવેલીમાં કોરોના સામે રક્ષણ મેળવવા સૌપ્રથમ હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ, 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જે સાથે જ ગુરુવારથી 18 વર્ષથી 44 વર્ષની વચ્ચેના યુવાનો માટે પણ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કર્યો છે. દાદરા નગર હવેલીમાં સેલવાસ ઝંડાચોક સ્કૂલ, નરોલી હાઈસ્કૂલ, ખાનવેલ હાઈસ્કૂલ એમ 3 સ્થળો પર આ સુવિધા ઉભી કરી છે. જેમાં પ્રથમ દિવસે જ યુવાનો ઉત્સાહભેર વેક્સિન મૂકાવવા આવ્યાં હતાં.
આ પણ વાંચો: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, દીવમાં 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ
ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વેક્સિન અપાય છે
દાદરા નગર હવેલી આરોગ્ય અધિકારી ડૉ. પી. કે. માહલાએ જણાવ્યું હતું કે, 18 વર્ષથી વધુ વયના જે પણ લોકો વેક્સિન મૂકાવવા આવે છે. તે તમામે સૌથી પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જે બાદ તેમને નિયત સમય આપવામાં આવે છે. જે સ્થળે તેમનું થર્મલ ગન વડે તાપમાન ચેક કરવામાં આવે છે. કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. ખાંસી-તાવ છે કે કેમ તેની વિગતો મેળવવામાં આવે છે. તે બાદ જ વેક્સિન ડોઝ આપવામાં આવે છે. પ્રથમ દિવસે કુલ 1,000 ડોઝ આપવામાં આવ્યાં હતાં.
યુવાનોએ કેમ્પ પર લગાવી કતાર
જ્યારે વેક્સિન મૂકાવવા આવેલા યુવાનોએ પણ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે તેમનો નંબર ક્યારે લાગે તેની રાહ જોતા હતાં અને હવે આ પહેલ શરૂ થતાં પ્રથમ વેક્સિન ડોઝ લીધો છે. દરેક યુવાનોએ આ માટે આગળ આવવું જોઈએ અને કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.