સેલવાસ: સેલવાસ ખાતે 5મી મેના રોજ રાત્રિના 8 વાગ્યા આસપાસ વહીવટી તંત્રને જાણકારી મળી હતી કે, ભીલોસા કંપની નારોલીના ગેટ નંબર-2 સામે ચાલીમાં રહેતાં ભીલોસા કંપનીના મજૂરો હોબાળો કરી રહ્યા છે. આ ઉપરાંત તે લોકો રસ્તામાં આવતા-જતા લોકો પર પથ્થરમારો કરી પણ રહ્યા છે.
આ સૂચના મળવાથી પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તે દરમિયાન હોબાળો કરનારા કર્મચારીઓએ પોલીસ વાહન ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્માને મળતા તે પણ પોતાના વાહનમાં નરોલી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની ગાડી ઉપર પણ તોફાન કરનારા કર્મચારીઓએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ વધુ પોલીસ ફોર્સ મંગાવી પથ્થરમારો કરતાં અને વાહનોને નુકસાન પહોંચાડતા મજૂરો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
આ અંગે સેલવાસના ડેપ્યુટી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, રાત્રિના 11:30 વાગ્યા સુધી આ કામદારોએ તોફાન મચાવી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે લાઠીચાર્જ કરી ઘટના સ્થળેથી 100 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેની સામે IPCની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોઈપણ નાગરિક આ કાનૂન અને વ્યવસ્થાનો ભંગ કરે અને કાયદો પોતાના હાથમાં લે તેની સામે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વહીવટીતંત્ર ક્યારેય બર્દાશ્ત નહીં કરે.
આવનારા દિવસોમાં કાયદો-વ્યવસ્થા ભંગ કરતા આવા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ભીલોસા કંપનીમાં થોડા દિવસો પહેલા કામદારો તરફથી ફરિયાદ મળી હતી કે,. તેઓને ખાવા-પીવાનું અને પગારની તકલીફ ઉભી થઇ છે. આ ફરિયાદને આધારે પ્રશાસને તાત્કાલિક કંપની સંચાલકોનો સંપર્ક કરી ખાવા-પીવાની વ્યવસ્થા ઊભી કરી પગાર કરાવ્યો હતો. તેમ છતાં પણ કર્મચારીઓની આ હરકત ખુબ જ દુઃખદ છે.
પ્રશાસને અપીલ કરી હતી કે, ચાલ માલિકો પણ ભાડાને લઈને આ કર્મચારીઓને પરેશાન કરશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોરોના મહામારીને લઈને જે લોકડાઉન સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં લગાવવામાં આવ્યું છે તેનું પાલન કરે.
પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ અનાજ અને તૈયાર ભોજન પીરસવામાં આવ્યું છે. આવી સુવિધા ભાગ્યે જ કોઈ અન્ય વિસ્તારમાં કર્મચારીઓને આપવામાં આવી છે. પ્રશાસન દિવસ-રાત તેમની જે સેવા કરે છે. જેથી જો કોઈપણ કર્મચારી કાયદો-વ્યવસ્થા હાથમાં લેશે તો તેને સાંખવામાં આવશે નહીં.