- આ વખતે રાજકોટ મનપામાં બક્ષીપંચના ઉમેદવાર માટે મેયર પદ અનામત
- 2.5 વર્ષ મહિલા માટે અનામત
- સ્ટેન્ડિંગ સહિતના પદ માટે અનેક દાવેદારો
રાજકોટઃ રાજકોટ મનપાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ત્યારે ભાજપને મનપાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે. 72માંથી 68 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસને માત્ર 4 જ બેઠક મળી છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે 15 નંબરના વોર્ડમાં કોંગ્રેસના વશરામ સાગઠિયાની પેનલ જીતી છે. હવે રાજકોટ મનપાના પરિણામ અવતાની સાથે જ રાજકોટમાં મેયર કોણ બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે સ્ટેન્ડિંગ સહિતના પદ માટે અનેક દાવેદારો દેખાઈ રહ્યા છે.
મેયર પદ માટે 6 કોર્પોરેટરના નામ મોખરે
આ વખતે રાજકોટ મનપામાં બક્ષીપંચના ઉમેદવાર માટે મેયર પદ અનામત હોવાથી સૌથી પહેલા ડૉ. અલ્પેશ મોરઝરીયા અને ડૉ. પ્રદિપ ડવના નામ મોખરે છે. આ ઉપરાંત અન્ય ચાર ઉમેદવાર જીતુ કાટોડીયા, હિરેન ખીમાણીયા, નિલેશ જલુ, નરેન્દ્ર ડવ પણ મેદાનમાં છે. બાકીના 2.5 વર્ષ મહિલા માટે અનામત હોવાથી આ પૈકી કોઈ એકને મેયર બનાવવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે બીજા મહત્વના પદ સ્ટેન્ડિંગ ચેરમેન માટે નેહલ શુકલ, દેવાંગ માંકડ અને અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલનું નામ અગ્રક્રમે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ્ઞાતિવાદી સમિકરણોને આધારે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ઉપરાંત ડે. મેયર અને શાસક પક્ષના નેતા નક્કી કરવામા આવશે.
વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને નહીં મળે
રાજકોટ મનપામાં આ વખતે 1995ની જેમ ભાજપનું એકચક્રી શાસન રહેશે. 1995માં મનપાની 60 બેઠક પૈકી ભાજપને 59 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. તે વખતે વિપક્ષી નેતાનો દરજ્જો કોંગ્રેસના વિજેતા ઉમેદવાર લાધાભાઈ બોરસદીયાને આપવામાં આવ્યો ન હતો પણ કાર્યાલય અપાયું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કુલ બેઠકની 10 ટકા બેઠક જીતનાર પક્ષ વિપક્ષ બની શકે છે. કોંગ્રેસ ૪ બેઠક સુધી સિમિત રહી હોવાથી તેને આ દરજ્જો ન મળી શકે.