- રાજકોટ તાલુકાના નજીકના વિસ્તારોમાં સિંહ દેખાયા
- સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર વગેરે ગામોમાં કર્યુ મારણ
- સિંહનો આંટાફેરા મારતો વીડિયો થયો વાઇરલ
રાજકોટ: રાજકોટ તાલુકાના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારોમાં બે નર અને એક માદા એમ ત્રણ સિંહ જોવા મળ્યા છે. જેનો વીડિયો પણ અગાઉ સ્થાનિકો દ્વારા બનાવી વાઇરલ કરવામાં આવ્યો હતો. આ સિંહોએ અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 20 જેટલા પશુઓનું મારણ કર્યું છે. સિંહો એક બાદ એક પશુઓનું મારણ કરતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. આજે પણ સિંહનો વધુ એક વીડિયો વાઇરલ થયેલો જોવા મળી રહ્યો છે.
રાજકોટ તાલુકાની આસપાસના ગામોમાં સિંહ આવી ચડતા રાજકોટ વનવિભાગ પણ સક્રિય થયું છે. ગામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જ્યારે આ સિંહોની તમામ હિલચાલ પર વનવિભાગની ટીમ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં જ્યાં પણ સિંહ દેખાય, તાત્કાલિક જ ગ્રામજનોને વન વિભાગનો સંપર્ક સાધવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે . તેમજ રાત્રી દરમિયાન ગ્રામજનોએ બહાર ન નીકળવું તેવું પણ વનવિભાગ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યું છે.