- રાજકોટના ત્રમ્બા ગામમાં આરોગ્યની યોગ્ય સુવિધાનો અભાવ
- એક માસમાં કોવિડથી 35 લોકોના મોત થયા
- આરોગ્ય કેન્દ્ર પર માત્ર કોરોના ટેસ્ટ અને રસીકરણની જ સુવિધા
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાના કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે, ત્યારે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે. રાજકોટ શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસ વધ્યા છે, ત્યારે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. રાજકોટ નજીક આવેલા ત્રમ્બા ગામમાં હાલ આરોગ્ય કેન્દ્ર પર માત્ર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે અહીં આરોગ્ય કેન્દ્રમાં બીજી કોઈપણ પ્રકારની સુવિધાઓ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : જેતપુરના પાંચપીપળામાં એક મહિનામાં જ 70 લોકોનાં મોત
એપ્રિલ મહિનામાં કુલ 60 લોકોના મોત
ત્રમ્બા ગામના વતની વશરામભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં ગામમાં કોરોનાના કારણે 35થી 40 જેટલા દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોના વગરના 15થી 20 એમ કુલ 60 જેટલા લોકોના માત્ર એક જ મહિનામાં મોત થયા છે. અગાઉ વર્ષે 30થી 40 લોકોના મોત થતા હતા. જ્યારે કોરોના આવતા એક જ મહિનામાં 60 જેટલા લોકોના મોત થતા ગ્રામજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગામમાં સતત લોકોના મોતના કારણે હાલ પરિસ્થિતિ ખૂબ જ વણસી છે.
આ પણ વાંચો : રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
જમીન પર ગાદલા નાખીને આઇસોલેશન વૉર્ડ બનાવાયો
ત્રમ્બા ગામમાં આરોગ્ય કેન્દ્ર પર માત્ર કોરોના ટેસ્ટ અને વેક્સિન જ આપવામાં આવી રહી છે. જ્યારે કોઈ દર્દીની તબિયત વધુ લથડે તો તેના માટે કોઈપણ જાતની વ્યવસ્થા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવી નથી. જો કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર હોય તો તેમને રાજકોટ ખાતે આવવું પડે છે. જ્યારે ગામમાં પ્રાથમિક શાળામાં હાલ જમીન પર ગાદલા પાથરીને આઇસોલેશન વૉર્ડ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ આ વૉર્ડમાં પણ મેડિકલની અન્ય સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.