- બટાકા વિદેશથી આયાત કરવાનો નિર્ણય કર્યો
- રાજકોટ કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
- બટાકા સિવાય અન્ય શાકભાજી અને કઠોળ પણ લોકો થોડા દિવસો માટે ઉપયોગમાં લઈ શકે અપીલ કરી
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ડુંગળીની જેમ બટાકાની માગ વધતા હવે બટાકા પણ વિદેશથી આયાત કરવાનો નિર્ણય કર્યો છે. જેનો રાજકોટ કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કિસાન સંઘ દ્વારા તાત્કાલિક કેન્દ્ર સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માગ કરી હતી. તેમજ બટાકા સિવાય અન્ય શાકભાજી અને કઠોળ પણ લોકો થોડા દિવસો માટે ઉપયોગમાં લઈ શકે અપીલ કરી હતી. કિસાન સંઘે માગ કરી છે કે, સરકાર તાત્કાલિક બટાકાની આયાતનો નિર્ણય પાછો ખેંચે નહિતર આગામી દિવસોમાં કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
બટાકાની ખરીદી કરીને તેના પર લખ્યા સ્લોગન
બટાકાની આયાતને લઈને રાજકોટ કિશન દ્વારા રવિવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ બટાકાની ખરીદી પણ કરવામાં આવી હતી. જ્યારે વિરોધના ભાગરૂપે બટાકા પર કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ સ્લોગન લખવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ હોય ત્યાં બટાકાની આયાત, બટાકાની જગ્યાએ અન્ય શાકભાજીનો ઉપયોગ, જેવા સ્લોગન લખવામાં આવ્યા હતા.
બટાકાના અયાતનો નિર્ણય પરત ખેંચવાની માગ
આ વિરોધ પ્રદર્શનમાં કેન્દ્ર સરકાર બટાકાના અયાતનો નિર્ણય પાછો ખેંચે તેવી ઉગ્ર માગ કરી હતી. રાજકોટ કિશાન સંઘના 50થી વધુ કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન આ કાર્યક્રમમાં જોડાયા હતા અને બટાકાની અયાતનો નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
કિસાન સંઘની કેન્દ્ર સરકાર પાસે માંગણી
ભારતમાં ડુંગળીની માંગ વધતા ડુંગળીની જેમ બટેકા પણ આયાત કરવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે નિર્ણય ખેડૂતોના હિતમાં ન હોવાનું કિસાન સંઘનું કહેવું છે. આગામી બેથી ત્રણ મહિનામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે બટાકાનું મબલખ પાક થવાનું કિસાન સંઘનું અનુમાન છે. ત્યારે વિદેશથી પણ આયાતી બટાકા બે-ત્રણ મહિના આવતા થશે. જ્યારે દેશમાં જ બટાકાનું બે-ત્રણ મહિનામાં જ ઉત્પાદન થઈ જશે. જેને લઈને ખેડૂતોના તૈયાર માલ ને મોટું નુકશાન થવાનો ભય છે. જે સમગ્ર વાત કેન્દ્ર સરકારે સમજવી જોઈએ.