- મોરબીના કાગદડી ગામે રહેતા કૌટુંબીક જમાઇએ આચર્યું દુષ્કર્મ
- આરોપી પીડિતાના પરિવારજનોને આપતો હતો ધમકી
- LCB દ્વારા આરોપી વીરપુર પોલીસને હવાલે થયોપોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે
રાજકોટ: આરોપી મોરબીના કાગદડી ગામનો રહીશ છે જેનું સાસરું ગોંડલના દેવચડી ગામમાં છે. આરોપીની તેની પત્ની રીસામણે હોવાથી તે વીરપુરમાં પોતાના મામાજી સસરાને ત્યાં આવી અને તેમને જણાવ્યું હતું કે પોતે નવી કાર લીધી છે જે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવાનું છે. નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવવાનું કહી તે મામા સસરાની પુત્રીને પોતાની સાથે લઇ ગયો હતો. મામાજીએ પણ જમાઈને ખોટું લાગશે તેમ વિચારી પોતાની દસ વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી.

સાંજના સમયે કૌટુંબીક જમાઈએ પોતાના સાળા સાથે બાળકીને ઘરે મોકલી
બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તેને તરત જ વીરપુર સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉકટરે તેના પર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ બાળકીની હાલત વધુ બગડતા તેને સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવી હતી. આ અંગે મામાજીએ જમાઈને ફોન કરતા તે પીડિત બાળકીના પરિજનોને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો.

વીરપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ASP સાગર બાગમારે આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટેની કામગીરી LCBને સોંપતા આરોપી તેના ગામ કાગદડીથી ઝડપાયો હતો.

આરોપી ઝડપાઇ ગયાની જાણ થતાં જ સ્થાનિક મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશને આવી પહોંચ્યું
આરોપી ઝડપાઇ ગયાની જાણ બાળકીના વિસ્તારવાસીઓને થતાં સ્થાનિક મહિલાઓનું ટોળું નરાધમ હાય હાયના નારા લગાવતું પોલીસ સ્ટેશને આવી 'આરોપી અમને સોંપી દો, સજા અમે આપીશું' ની માગ કરી હતી. પોલીસે મહિલાઓને સખત સજાની બાંહેધરી આપતાં ટોળું ત્યાંથી વિખેરાયું હતું.