રાજકોટ : તાજેતરમાં ઈંગ્લેન્ડના લિફટ ઓફ ગ્લોબલ નેટવર્ક,પાઈનવુડ સ્ટુડિયોના લિફટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને શોકેસના ‘ફર્સ્ટ ટાઈમ ફિલ્મમેકર’ સેશનમાં સ્ક્રીનીંગ માટે એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના એમ.જે.એમ.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મમેકર વિકાસ રાજપોપટના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી ફિલ્મ ‘ઓફ ટ્રેક’ ની પસંદગી કરવામાં આવી છે. તણાવ અને હતાશાને કારણે ઉભા થતા આત્મહત્યા તરફી વલણને મૂર્ખતાપૂર્ણ સાબિત કરતી આ ફિલ્મ ભારતના આત્મહત્યાના વધતા આંકડાઓ સામે લાલબત્તી ધરે છે. લીફ્ટ ઓફ સેશન્સ એક ઓનલાઈન શો-કેસ છે. જે ફિલ્મોને વિશાળ સંખ્યાના પ્રેક્ષકો સુધી પહોંચાડવાના ઉદેશ સાથે વૈશ્વિક સ્તરે સબમીટ થયેલી ફિલ્મોનું સ્ક્રીનીંગ કરે છે.
યુ.કે. ના ફિલ્મ ફેસ્ટિવલમાં થઇ પસંદગી - ફેસ્ટીવલનો પ્રથમ રાઉન્ડ ઓનલાઈન રહેશે, જેમાં દરેક સેશનની ટોચની પાંચ ફિલ્મો જાહેર જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. બીજો રાઉન્ડ આંતરીક છે જયાં નિર્ણાયકો થકી પસંદ થયેલી પાંચ ફિલ્મોમાંથી વિજેતા નકકી કરાશે. વિજેતા થનારને લિફ્ટ ઓફ ફેસ્ટિવલનું સભ્યપદ પ્રાપ્ત થશે અને તે ફિલ્મ પાઈનવુડ સ્ટુડિયો યુ.કે.અને રેલે સ્ટુડિયો હોલીવુડ ખાતે લાઈવ સ્ક્રીનીગની તક મેળવશે. ફેસ્ટિવલ બે અઠવાડિયા ચાલશે, પરંતુ દર્શકો એક મહિના સુધી આ ફિલ્મો જોઈ શકશે.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી - આ શોર્ટ ફિલ્મનું સંપૂર્ણ નિર્માણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. આ શોર્ટફિલ્મ યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત વિશ્વભરના 30 જેટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલવામાં આવી છે. પત્રકારત્વ ભવન દ્વારા માત્ર જર્નાલિઝમ જ નહીં પરંતુ માસ કોમ્યુનિકેશનના તમામ પાસાઓથી વિદ્યાર્થીઓ માહિતગાર બને અને તેની પ્રાથમિક તાલીમ મેળવી શકે તે માટે વર્ષો વર્ષ ડોકયુમેન્ટરી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોની વર્કશોપ યોજાતી રહે છે અને વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ આ રીતે ફિલ્મ મેકીંગની તાલીમ અપાય છે તેનું સુંદર પરિણામ જોવા મળ્યું છે.