- રાજકોટમાં વેક્સિનેશનમાં મદદ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી આગળ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં 20 કોલેજમાં શરૂ કરશે વેક્સિનેશન સેન્ટર
- કોલેજમાં શરૂ થતા સેન્ટરથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને સરળતાથી વેક્સિન મળશે
રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છેે. ત્યારે જિલ્લા વહિવટી તંત્રએ લોકોનું ઝડપથી વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ વેક્સિનેશન અભિયાનમાં જોડાઈ છે. આ યુનિવર્સિટી 20 કોલેજમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરશે, જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સરળતાથી વેક્સિન મળશે.
આ પણ વાંચો- રાજકોટમાં 18થી 50 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશન સેન્ટર ઉભું કરાશે
સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ તહેનાત રહેશે
આગામી દિવસોમાં કોલેજો શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 20 જેટલી કોલેજોમાં રાજકોટ મહાનગરપાલિકાના મનપાની આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈને આ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓએને નજીકની કોલેજમાં જ વેક્સિન મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં કોરોના વેક્સિન લોકો લઈ રહ્યા છે ત્યારે હવે વિદ્યાર્થીઓ બાકી ન રહી જાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો- ક્રિકેટ ફેન અરુણે અનોખા અંદાજમાં લીધી વેક્સિન
વેક્સિન માટે કોલેજોમાં જ થશે રજિસ્ટ્રેશન
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે. અત્યારે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હશે તેમને પણ અહીં જ નજીકની કોલેજમાં વેક્સિન લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમ જ જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેઓને વેક્સિનેશન સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કર્યા બાદ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે કોરોના વેક્સિન લઈ શકશે. તે માટે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મનપાની ટીમ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં કોલેજોમાં જ કોરોના વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવશે.