- રાજકોટમાં પાણીના પાઉચની આડમાં દેશી દારૂનું વેચાણ
- પોલીસે દરોડા પાડીને 6,900નો મુદ્દામાલ જપ્ત કર્યો
- ફરાફ આરોપીની શોધખોળ શરૂ
રાજકોટ: રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ થયા છે અને દારૂ વહેંચવાના નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે. આવું જ એક કૌભાંડ રાજકોટમાં ઝડપાયું છે. જેમાં પીવાના પાણીના પાઉચમાં દેશી દારૂ વહેંચવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે દરોડા પાડ્યા હતા. આ સાથે જ ક્રાઈમબ્રાન્ચ દ્વારા રૂપિયા 6,900નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પાણીના પાઉચમાં દેશી દારૂનું પેકીંગ
રાજકોટ ક્રાઈમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના લાલપરી તળાવ નજીક આવેલા મફતિયાપરામાં એક રહેણાંક મકાનમાં દેશી દારૂનું પાણીના પાઉચમાં પેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. અહીંથી પાણીના પાઉચ પેકીંગ કરવાનું મશીન, દેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના ખાલી પાઉચ સહિત રૂપિયા 6,900ની વસ્તુઓ મળી આવી હતી. જ્યારે ક્રાઈમબ્રાન્ચે પાણી ભરેલા પાઉચ તપાસ કરતા તેમાં દેશી દારૂ પેકીંગ કરેલો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : અરવલ્લીમાં LCB દારૂ કાંડ ફરી ચર્ચામાં, આરોપીએ ત્રણ પોલીસ કર્મીઓ વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી
દરોડા દરમિયાન બુટલેગર ફરાર
ક્રાઈમબ્રાન્ચે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન આ રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો, પાઉચ પેકીંગ કરવાનું મશીન તેમજ પ્લાસ્ટિકની ખાલી થેલીઓ સહિતનો મુદ્દામાલ ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો.અહીંથી રાજેશ છગનભાઇ મકવાણા નામનો બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જેને લઈને હાલ ક્રાઈમબ્રાન્ચ દ્વારા આ વ્યક્તિની શોધખોળ કરી આ કામમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું