- ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો
- જંગલેશ્વર વિસ્તારમાંથી 18 માર્ચ 2020ના રોજ નોંધાયો હતો પ્રથમ કેસ
- કોરોના સંક્રમણને માટે પોલીસ વિભાગ દ્વારા સંકલન કરી ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યાં
રાજકોટ: ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ 18 માર્ચ 2020ના રોજ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો. ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓમાં ઘેરી ચિંતા છવાઈ હતી. કોરોના સંક્રમણને રોકવાના કપરા કામને સુપેરે પાર પાડવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ દ્વારા સંકલન કરી ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યાં હતા. તેનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના નેતૃત્વમાં સમગ્ર પોલીસ વિભાગ કટિબદ્ધ બન્યો હતો.
જંગલેશ્વર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરાયો હતો
જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારને કોરોના સંક્રમણથી બચાવવાની કપરી કામગીરી સુપેરે નિભાવી હતી. રાજકોટ પોલીસે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ વિસ્તરમાં પોલીસ ટીમ દ્વારા સઘન કરફ્યૂ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર વિસ્તારમાથી કોઈ બીજી જગ્યાએ જાય નહી તેમજ કરફ્યુના નિયમોનું સજ્જડ પાલન થાય તે જોવાની કપરી કામગીરી પોલીસના જવાનોએ જીવના જોખમે નિભાવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા કરફ્યૂમાં માઇક્રો પ્લાનિંગ કરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર સહીત ઉચ્ચ અધિકારીઓએ આ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી સ્થિતિથી વાકેફ રહીને કોરોના વાઇરસનો ફેલાવો અટકે તે માટેનાં ખાસ પગલાં લીધા હતા.
542 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
સંક્રમિત જંગલેશ્વર વિસ્તારને કોર્ડન કરવા માઇક્રો પ્લાનીંગ સાથે ટીમનું ગઠન કરાયું હતું. જેમાં 2 SP, 3 DYSP, 6 PI, 24 PSI સહિત કુલ 542 જવાનોનો કરફ્યૂં વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને લોકોને ચેપના લાગે તે માટે સૂચના આપવામાં આવી હતી. કરફ્યૂંગ્રસ્ત વિસ્તારના લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં. તેમજ બિન જરૂરી બહાર નીકળતા લોકો પર વોચ રાખી તેમના પર કાયદેસર કાર્યવાહી કરી કરફ્યૂં ભંગનો ગુનો દાખલ કરી શકાય તે માટે શહેર કંટ્રોલરૂમ કેમેરા દ્વારા તેમજ ફીટ કરેલા અન્ય કેમેરા દ્વારા આ વિસ્તારની વોચ રાખવામાં આવતી હતી.
જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યૂં દરમિયાન કુલ 110 ગુના દાખલ કરાયા
જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કર્મચારી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આ કરફ્યૂંગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીના સ્વાસ્થ્યના ભાગરૂપે સેવાભાવી સંસ્થાના સહયોગથી સેનેટરીવાન મૂકવામાં આવી હતી. જેણે બંદોબસ્તના તમામ માણસોને સમયાંતરે સેનેટાઈઝ કરવાનું કામ કર્યું હતું. જંગલેશ્વરમાં જે શેરીમાં કોરોનાનો કેસ મળી આવ્યાં હતા તે તમામ શેરીને લોખંડના પતરા વડે સીલ કરવામાં આવી હતી, જેથી એક શેરીમાથી બીજી શેરીમાં લોકો જાય નહી અને કોરોના વાઇરસનો ચેપ ફેલાય નહી. હોટસ્પોટ બનેલા જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યૂં ભંગ અંગે કાયદાનું કડક પાલન કરાવવામાં આવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યૂં દરમિયાન કુલ 110 ગુના કરફ્યૂંનો ભંગ કરનારા ઉપર દાખલ કરવામાં આવ્યાં હતા.
ડ્રોન કેમેરાની મદદથી કેસ કરવામાં આવ્યાં હતા
પોલીસ કમિશ્નર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને લોકોને કરફ્યૂંનુ પાલન કરવા સમજાવવામાં આવ્યાં હતા. આ ઉપરાંત કરફ્યૂંગ્રસ્ત વિસ્તારના પાછળના ભાગે આવેલી નદીના પટમાંથી કોઈ બહાર ન જાય તે માટે સતત પોલીસ દ્વારા ઘોડા પર સવાર થઈ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. લોકો અંદર શેરી ગલીઓમાં પણ ફરે નહી અને સામાજીક અંતર જાળવે તે માટે ઊંચી ઇમારતના ધાબા પરથી પણ સતત દૂરબીન વડે વોચ, ડ્રોન કેમેરાની મદદથી કરફ્યૂંગ્રસ્ત વિસ્તારમાં બિનજરૂરી બહાર ફરતા લોકોને ઝડપી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની સજ્જડ કામગીરી કરવામાં આવી હતી. જંગલેશ્વરના સ્વયં સેવકો પણ પોલીસની મદદમાં આવ્યા હતા અને પોલીસ, આરોગ્ય તંત્રના સંકલનથી સ્થિતિ કાબુમાં આવી હતા.
પોલીસનો સજ્જડ બંદોબસ્ત, ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો
આ ઉપરાંત SAFE રાજકોટ એપ દ્વારા કોરોના પોઝિટિવ લોકોની હાજરી પુરાઈ તે માટે પોલીસ કમિશ્નર દ્વારા જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. જેથી કોરોનગ્રસ્ત વ્યક્તિ અન્ય કોઈ સ્થળે જઈ સંક્ર્મણ ફેલાવી ન શકે. આજરીતે સમગ્ર પોલીસ ટીમ દ્વારા લોકડાઉન-1 થી 4ના સમયગાળા દરમિયાન કોરોના વાઇરસની મહામારીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મક્કમતાથી પોતાની ફરજ બજાવવામાં આવી હતી. આમ, કોરોનાના પ્રથમ કેસથી લઈને આજદિન સુધી સજ્જડ પોલીસ બંદોબસ્ત, ટેક્નોલોજીનો ઉપયોગ અને માનવીય અભિગમ દ્વારા રાજકોટ શહેર પોલીસ કોરોના સંક્ર્મણ અટકાવવા કટીબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.