રાજકોટઃ હાલમાં અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવી રહ્યાં છે, ત્યારે આ તમામ લોકોએ ફરજિયાત પણે 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન રહેવાનું છે. આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. શહેરના 7 પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને 24 કલાક માટે ચેક પોસ્ટ પર ત્રણ શિફ્ટમાં સ્ટાફ તૈનાત કર્યા છે.
છેલ્લા 2 દિવસમાં આ ટીમોએ બહારથી આવતા લોકોની વિગતો મેન્યુઅલી નોંધી હતી. જો કે, હવે આજથી મોબાઈલ એપ્લીકેશનની મદદથી આ ટીમો ત્યાં ચેકપોસ્ટ પર બેઠાંબેઠા જ પોતાના મોબાઇલની મદદથી આગંતુક લોકોની માહિતી અપલોડ કરશે. જેથી તેઓને સમય ગુમાવ્યા વગર હોમ કોરોન્ટાઇન કરી શકાશે.
આ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આ તમામ ચેકપોસ્ટ પર તૈનાત મનપા સ્ટાફ ત્યાં સ્થળ પરથી જ એપમાં માહિતી અપલોડ કરતા હવે આ માહિતી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્થિત કંટ્રોલ રૂમમાં આવી જશે. ત્યાંથી આ માહિતી હોમ કોરોન્ટાઇનની કામગીરી કરી રહેલ ટીમોને પહોંચી જશે. આ માહિતીના આધાર પરથી આ ટીમો બહારથી આવેલા લોકોને સમય બગાડ્યા વગર તરત જ તેમના ઘરે કોરોન્ટાઇન હેઠળ મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને તેમના ઘર પર માહિતી આપતું સ્ટીકર લગાવશે. જેથી અન્ય લોકોને પણ ખ્યાલ આવશે કે આ મકાનમાં રહેતા લોકો કોરોન્ટાઇન હેઠળ છે.
આ સાથે જ મનપા દ્વારા અપીલ પણ કરાઈ છે કે, એક જવાબદાર નાગરિક તરીકે આપની અડોશ-પડોશમાં અન્ય જિલ્લામાંથી કોઈ મહેમાનો આવ્યા હોય તો તેની માહિતી રાજકોટ મહાનગરપાલિકાના કમ્પ્લેઇન્ટ નંબર 0281 - 2450077 ઉપર જાણ કરવામાં આવે. તેમજ આ માહિતી પરથી એ સુનિશ્ચિત કરી શકાશે કે બહારથી આવેલ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં બાકી રહી ગઈ નથી.