- રાજકોટ મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન
- ગેરકાયદેસર બાંધકામ તોડીને 100 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી
- તંત્રએ રૂપિયા 13 કરોડનું બાંધકામ તોડીને 100 કરોડની જમીન ખુલ્લી કરી
રાજકોટઃ શહેરના કોઠારીયા વિસ્તારમાં શુક્રવારના સવારના સમયે કલેક્ટરે તંત્ર અને મનપાની ટીમે સાથે મળીને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજીત 21 જેટલા ગેરકાયદેસરના કારખાનાને તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ રૂપિયા 100 કરોડની સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. જો કે દબાણ કરનાર ઈસમો અહીંથી ભાગી છૂટ્યા હતા. તેમજ બાંધકામ દૂર કરતા સમયે મોટાભાગના કારખાનાઓ ખાલી હોવાનું પણ સામે આવ્યું છે.
તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનાર ઇસમોમા ફફડાટ
રાજકોટ વહીવટી તંત્ર અને મનપાની ટીમ દ્વારા શહેરના કોઠારીયા રોડ પર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહીથી શહેરમાં અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ કરીને સરકારી જમીન પર કબ્જો જમાવીને બેઠેલા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. જે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી પ્રોપર્ટી વહેંચી નાખનાર સામે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાશે.
ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવીને ખોટો જમાવતા ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આ સમગ્ર રાજ્યમાં લાગુ થવાથી હવે ભૂમાફિયાની લગામ ખેંચવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોઈપણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે જમીન હડપ નહીં કરી શકે.