- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- 21 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
- કોંગ્રેસે EVMને લઇને કર્યા આક્ષેપ
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચાર પસાર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારને લઈને રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપબાજી પણ કરી રહ્યા છે. જેને લઇને રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ EVM પર લગાવામાં આવેલા પક્ષના ચિન્હોને લઈને સવાલો ઉઠાવીને ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે, જ્યારે વોટિંગ મશીનમાં ભાજપનો સિમ્બોલ મોટો રાખવામાં આવ્યો છે. તેમજ ભાજપના ચિહ્નને વધુ ઘટ્યું રાખવામાં આવ્યું છે. જેના કારણે સીધી જ મશીન પર પહેલા ભાજપના સિમ્બોલ પર નજર પડે જ્યારે બીજી તરફ ભાજપે કોંગ્રેસના આ આક્ષેપોને વખોડી કાઢ્યા છે.
EVM પર કમળનું ચિન્હ મોટું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ મનપાની ચૂંટણીનું આગામી 21 તારીખે મતદાન યોજાવાનું છે. જેને લઈને આજે રવિવારે તમામ પક્ષાના નેતાઓને ચૂંટણી અધિકારી દ્વારા વોટિંગ મશીનના ડેમો માટે બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન કોંગ્રેસના હેમાંગ વસાવડા પણ ગયા હતા, ત્યારે વોટિંગ મશીનમાં ભાજપનો સિમ્બોલ મોટો અને વધારે ઘાટ્ટો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે આ અંગે ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં જાણ કરી હતી. આ મામલે હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચ પણ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે.
કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ હાર ભાળી ગઈ
કોંગ્રેસ દ્વારા વોટિંગ મશીન પર ભાજપના સિમ્બોલ અંગે સવાલો ઉઠાવવામાં આવતાં આ અંગે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ હાર ભાળી ગઈ છે. જેને લઇને આવા આક્ષેપબાજી કરે છે. ચૂંટણી પંચ સ્વતંત્ર હોય છે કોઈ પક્ષને આધીન હોતું નથી. તેમજ ચૂંટણી પંચનું તમામ સાહિત્ય ગવર્મેન્ટ ઓફિસમાં જ છપાતું હોય છે. જેને લઈને કોંગ્રેસના આક્ષેપો વાહિયાત છે અને પાયાવિહોણા છે. જો કે, રાજકોટમાં ચૂંટણી યોજાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા વોટિંગ મશીન પર લાગેલા ચિન્હોને લઈને સવાલ ઉઠાવવામાં આવતાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.