- રાજકોટ સિવિલની ટીમે થાઈરોઈડની સફળ સર્જરી કરી
- ડોક્ટરોએ દર્દીના ગળામાંથી કાઢી થાઈરોઈડની દોઢ કિલોની ગાંઢ
- દર્દીને છેલ્લા 2 મહિનાથી જમવામાં પડી રહી હતી તકલીફ
રાજકોટઃ દર્દીના પુત્ર કરમશી સાકરિયાએ જણાવ્યું કે, મારા પિતાજી મગનભાઈને ગળામાં મોટી ગાંઠ થઈને એ સતત વધતી જતી હોવાથી છેલ્લા બે મહિનાથી તેમને જમવામાં તકલીફ પડતી હતી. અને છેલ્લે છેલ્લે શ્વાસ પણ નહતા લઈ શકતા. એટલે તેમને રાજકોટ સિવિલમાં ઈમરજન્સીમાં દાખલ કર્યા હતા. અહીંના ડોક્ટરોની ટીમે ખૂબ મહેનત કરી મારા પિતા મગનભાઈને ગળાની તકલીફ દૂર કરી માત્ર પંદર દિવસમાં સાજા કરી દીધા છે, જેના માટે અમે સિવિલનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
રાજકોટ સિવિલની ટીમે 70 વર્ષના દર્દીના ગળામાંથી દોઢ કિલોની થાઈરોઈડની ગાંઠ બહાર કાઢી સિટી સ્કેન કરતા થાઈરોઈડની ગાંઠ હોવાનું સામે આવ્યું70 વર્ષના મગનભાઈ સાયલા તાલુકાના સોખડા ગામના વતની છે. તેમને ઘણા સમયથી ગળામાં અંદરની તરફ ગાંઠ વધવા લાગી હતી. રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ નાજુક હોવાનું ઈએનટી. વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. પરેશ ખાવડુ જણાવે છે. શરૂઆતમાં અમને લાગ્યું કે કદાચ કેન્સરની ગાંઠ હશે, પરંતુ તેનું સિટી સ્કેન કરતા તે થાઈરોઈડની ગાંઠ હોવાનું સામે આવ્યું. આ ગાંઠની તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. સારવાર તેમ જ દર્દીના ઓપરેશન માટે અમે તૈયારી કરી. કેન્સરના ડોક્ટર રાજેશ માકડિયા, ડો. સેજલ મિસ્ત્રી, ડો. મોનિલ સહિતની ટીમ દ્વારા મગનભાઈની ગળાની ગાંઠની સફળ સર્જરી કરી હોવાનું અને હાલ તેમને કોઈ તકલીફ ન હોવાનું ડો. પરેશે જણાવ્યું હતું. સર્જરી બાદ જરૂરી સારવારના અંતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ સિવિલની ટીમે 70 વર્ષના દર્દીના ગળામાંથી દોઢ કિલોની થાઈરોઈડની ગાંઠ બહાર કાઢી આ પ્રકારના કેસ જવલ્લેજ આવે છે સામેઈ.એન.ટી વિભાગના અન્ય સર્જન ડો. સેજલ મિસ્ત્રી આ પ્રકારની બીમારી વિશે વાત કરતા જણાવે છે કે, આ પ્રકારના કેસ જવલ્લેજ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ ગળાના મધ્યભાગે થતી હોઈ છે, પરંતુ તેમના કિસ્સામાં ગાંઠ અંદરના ભાગે અન્નનળી અને શ્વાસનળીની વચ્ચે બંને તરફ પ્રસરેલી હતી. ધોરી નસ પર દબાણ કરતી હતી તેમ જ છાતીના ભાગે ફેફસાંના ઉપરના ભાગે પણ આગળ વધી ગયેલી હતી. થાઈરોઈડની ગ્રંથિની આ ગાંઠની સર્જરી ખૂબ જટિલ હોવાનું ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે. ઈ.એન.ટી. વિભાગની ટીમ તેમ જ અન્ય ડોક્ટરની મદદથી અમારી ટીમે ખૂબ જ મહેનત કરી ગાંઠની સફળ સર્જરી કરી. આ ગાંઠનું કુલ વજન લગભગ દોઢ કિલો જેટલું હોવાનું ડો. સેજલ જણાવે છે.
દર્દીએ ડોક્ટર ટીમ અને રાજ્ય સરકારનો માન્યો આભાર મગનભાઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત થતા હવે તેઓ સારી રીતે ભોજન તેમ જ શ્વાસ લઈ શકે છે. તેઓ સ્વસ્થ ચિતે તેમની બીમારીની વાત કરતા કહે છે કે, આમ તો મને છેલ્લા છ મહિનાથી તકલીફ હતી તેમ જ સારવાર પણ ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તકલીફ વધી જતા મને અહીં દાખલ કર્યો હતો. મારી સારવાર બદલ ડોક્ટર ટીમ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. મગનભાઈના પુત્ર કરમસીભાઈએ જણાવ્યું કે, અમને સારવાર દરમિયાન કોઈ તકલીફ પડી નથી. સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે અને એકપણ રૂપિયાના ખર્ચ વગર મારા બાપાને આ લોકોએ સાજા કર્યા છે. સિવિલના વિવિધ વિભાગોમાં મગનભાઈની જેમ ગંભીર રોગના અનેક દર્દીઓનું નિદાન, સારવાર તેમ જ જરૂરી સર્જરીની સુવિધા નિઃશુલ્ક મેળવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારને સ્વાસ્થ્ય સાથે ખુશી પ્રદાન કરવાની રાજ્ય સરકારની વિભાવના સાચા અર્થમાં તેમના ચહેરા પર પ્રતીત થાય છે.