- રાજકોટ મહાનગરપાલિકા માટે આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે ચૂંટણી
- 19મીએ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત
- પરેશ ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર કર્યા પ્રહારો
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર પ્રસારમાં લાગ્યાં છે. જેને લઈને રાજકોટ ખાતે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતુ. તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, મોંઘવારી, શાળા-કોલેજોમાં ફી તેમજ રાજકોટના આજી રિવરફ્રન્ટ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. આ સાથે જ રાજકોટની જનતા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બે ગુજરાતીઓ દેશને ગુલામ બનવાનું ષડયંત્ર રચી રહ્યા છે : ધાનાણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર માટે રાજકોટ ખાતે આવેલા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશને ગાંધી અને સરદારે આઝાદી અપાવી છે. જ્યારે હાલ બે ગુજરાતીઓ હાલ દેશને ગુલામ બનાવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણીમાં દેશની જનતાએ એક ચા વાળાને સામાન્ય માણસ સમજીને દેશનું સુકાન સોંપ્યું અને આજે દેશનું નેતૃત્વ કરનારા લોકો જ દેશની સંપત્તિને લૂંટાવાનો પ્રયાસ કરી રહ્યા છે.