- ચૂંટણીમાં 72 બેઠકો પૈકી 36 બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર કરાઈ
- વંચિત-પછાત સમાજને શહેરી સમાજને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાન મળે તે માટેનો પ્રયત્ન
- એક ચોક્કસ પ્રકારની ગણતરી મુજબ અનામત બેઠકો જુદા-જુદા વોર્ડમાં ફાળવવામાં આવતી હોય છે
રાજકોટ: રાજ્યની છ મહાનગર પાલિકાઓમાં રાજકોટ મ.ન.પા.ની ચૂંટણી પણ યોજાવાની છે. જેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે યોજાનાર રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં 72 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. જે પૈકી 36 બેઠકો મહિલા માટે અનામત જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે રાજકોટમાં વોર્ડ નં.15માં આ વખતે આદિજાતિ મહિલા માટે એક બેઠક અનામત જાહેર કરવામાં આવી છે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય છે કે, રાજકોટમાં આદિજાતિ મહિલા માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી છે.
આદિજાતિને શહેરી સમાજમાં પ્રતિનિધિત્વ મળે તેવો હેતું
આ અંગે રાજકોટનાં રાજકીય તજજ્ઞ કૌશિકભાઈ મહેતાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, આ માહિતી ખૂબ રસપ્રદ છે. તેમજ ચૂંટણીપંચનો વંચિત-પછાત સમાજને શહેરી સમાજમાં સ્થાન આપવાનો તેમજ તેઓને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાન મળે તે માટેનો આ એક પ્રયત્ન છે. તેમજ એક ચોક્કસ પ્રકારની ગણતરી મુજબ આવી અનામત બેઠકોને અલગ-અલગ વોર્ડમાં ફેરવાતી હોય છે. જેમાં કોઈ વખત પુરુષ આદિજાતિ, જ્યારે કોઈક વખત આદિજાતિ મહિલા અનામત માટે જાહેર થાય છે.
આદિજાતિ અનામત બેઠકનો નિયમ ખૂબ રસપ્રદ
આ અંગે ચૂંટણી આયોગ એમ કહે છે કે, અનુસૂચિત આદિજાતિની અનામત બેઠક ફાળવવા અંગે સામાન્ય રીતે આ વર્ગની વસ્તીને વોર્ડ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી દર બેકી સંખ્યામાં ઉતરતા ક્રમમાં આવતા વોર્ડમાં મહિલા બેઠક ફાળવવામાં આવતી હોય છે. આ બેઠકની ફાળવણી વખતે જો તે વોર્ડમાં અનુસૂચિત જાતિ માટે સ્ત્રી બેઠક ફળવાઈ હોય તેવા કિસ્સામાં અનુસૂચિત આદિજાતિની સ્ત્રી બેઠક આ વર્ગ માટેના વોર્ડમાં ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં આવતા વોર્ડમાં બેઠક ફાળવણી અંગે નિર્ણય કરવામાં આવે છે. આ નિયમ મુજબ રાજકોટમાં પ્રથમ વખત આદિજાતિની મહિલા માટે અનામત બેઠક જાહેર થઈ છે.
ભાજપ-કોંગ્રેસ બન્ને માટે આ બેઠક પડકાર રૂપ સાબિત
રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં આદિજાતિ મહિલા માટેની અનામત બેઠક અંગેની વધુ માહિતી આપતા કૌશિકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષને મુશ્કેલી ઉભી થઇ શકે છે. કારણ કે, અગાઉ વોર્ડ નંબર-1માં આદિજાતિ બેઠક પુરુષ માટે અનામત હતી અને તેમાં ભાજપના આશિષ વાગડીયા ગત ટર્મમાં ચૂંટાયા હતા. જ્યારે આ ટર્મમાં વોર્ડ નંબર 15માં આદિજાતિ માટેની બેઠક એ પણ મહિલા માટેની અનામત બેઠકને લઈને બન્ને પક્ષો દ્વારા ટિકિટ કોને આપવી તે બન્ને પક્ષ માટે ખુબ જ મુશ્કેલ છે. કારણે આ બેઠક પર મહિલા અનામત છે.