રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં શૈલેષભાઈ વ્રજલાલભાઈ સૂચક નામના એક બનાવટી ડૉક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં સ્નેહી ક્લિનિક નામે બનાવટી દવાખાનું ચાલતું હતું. જેની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
આ બોગસ ડૉક્ટર પાસેથી 34 પ્રકારની વિવિધ દવાઓ તથા ઇન્જેક્શન તેમજ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા છે. પોલીસ દ્વારા હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ શહેરમાંથી આવા અનેક નકલી ડૉક્ટરો ઝડપાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં આવી ઘટનાઓ સામે આવવાથી સંક્રમણનું જોખમ વધે તેવી શક્યતાઓ છે.