- રાજકોટમાં લગ્ન પ્રસંગમાં 100થી વધુ માણસો એકઠા થયા
- વેવાઇ, રિસોર્ટના માલિક, સંચાલક સહિત ચાર સામે ગુનો નોંધાયો
- મીની લોકડાઉનનું પાલન કડકાઈથી કરવામાં આવી રહ્યુ છે
રાજકોટ : કોરોના સંક્રમણ અટકાવવા શહેરમાં હાલમાં મીની લોકડાઉનનું પાલન કડકાઈથી કરવામાં આવી રહ્યુ છે અને રાત્રી કરફ્યૂ પણ છે. સરકારની માર્ગદર્શિકા મુજબ લગ્ન પ્રસંગમાં 50 લોકોને જ હાજર રાખવાની મંજુરી આપવામાં આવી છે. આમ છતાં કાલાવડ રોડ પર આવેલા રિજેન્સી લગૂન રિસોર્ટમાં તા. 25ના પ્રાઇમ હોસ્પિટલના ડૉ. કે. કે. રાવલના પુત્રના લગ્ન પ્રસંગમાં 50થી વધુ માણસો એકઠા થયા હોવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોવાની માહિતી મળતાં આ મામલે ક્રાઇમ બ્રાંચે ડૉક્ટર તેમજ તેમના વેવાઇ, રિસોર્ટના માલિક, સંચાલક સહિત ચાર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખેડામાં લગ્ન પ્રસંગે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે 10 સામે ગુનો નોંધ્યો
લગ્ન પ્રસંગે જે કોઇપણ નિયમોનો ભંગ કરશે તેની સામે આ રીતે કાર્યવાહી કરાશે
પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન અને સુચના મુજબ દરરોજ ક્રાઇમ બ્રાંચની ટીમો લગ્ન પ્રસંગોના સ્થળો પર મેરેજ હોલ, કોમ્યુનિટી હોલ, રિસોર્ટસ, પાર્ટી પ્લોટ, હોટેલો સહિતના સ્થળોએ તપાસ કરતી રહે છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ PI વી. કે. ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગે જે કોઇપણ નિયમોનો ભંગ કરી 50થી વધુ લોકો એકઠા કરશે, તેની સામે આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે.