સુરત : તાજેતરમાં સુરત જિલ્લામાં બનેલ વધુ એક હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ ગુનો કીમ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીએ રસ્તે ચાલતા ટકોર કરવા જેવી નજીવી બાબતે બોલાચાલીમાં ચપ્પુ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું.
કોસંબા વિસ્તારમાં મળ્યો મૃતદેહ : સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાને ગુનેગારો અંજામ આપી રહ્યા છે. ચોરી હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સુરત જિલ્લામાં સામાન્ય બની ગયા છે. શનિવારે મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાપુરા પાટિયા પાસે હથિયાર વડે પેટમાં ઘા કરી યુવકની હત્યા કરેલ મૃતદેહ મુખ્ય માર્ગ પરથી મળી આવ્યો હતો.
કોણ છે મૃતક ? આ બાબતે કોસંબા, કીમ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક યુવકની ઓળખ અવધેશ રામરાજ ઉંમર વર્ષ 29, મૂળ વતની ઉત્તર પ્રદેશ અને હાલ નવાપુરાનો રહેવાસી હોવાનો થઈ હતી.
પોલીસને મળી મહત્વપૂર્ણ કડી : સુરત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારોમાં હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ મદદ લેવામાં આવી હતી. પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી. ઘટનાસ્થળે જે સમયે હત્યારા અને મૃતક વચ્ચે બબાલ ચાલી રહી હતી, તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતાં એક વાહન ચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
તપાસમાં ઝડપાયા બે આરોપી : સમગ્ર હત્યાની ઘટના નવાપુરા નજીક એક કોમ્પ્લેક્ષમાં લાગેલા CCTV કેમેરામાં પર કેદ થઈ હતી. તપાસ દરમિયાન કીમ પોલીસે સતર્કતા દાખવી એક મોટર સાયકલ પર પસાર થઈ રહેલા ઇસમોને અટકાવ્યા હતા. બંને યુવકોની આકરી પૂછપરછ કરતા તેઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. અટક કરેલ બંને યુવકો કીમ ગામના આસિયાના નગરમાં રહેતા અક્ષય પરમાર અને સુજલ પવાર હોવાનું સામે આવ્યું હતું.
આરોપીઓએ કરી હત્યાની કબૂલાત : આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી. જે અનુસાર બંને શખ્સોએ મૃતકની નજીવી બાબતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. મૃતક અવધેશ નવાપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બંને આરોપીઓ પણ મોટર સાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન મૃતક અવધેશે બાઈક ચલાવવા અંગે ટકોર કરી હતી. આથી બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને અવદેશને માર મારી પેટમાં ચપ્પુના ઘા કરી દીધા હતા. બાદમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી : સમગ્ર ગુનામાં કીમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી બાઈક તેમજ ચપ્પુ પણ કબજે કર્યા છે. કીમ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.