- વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર રાજકોટમાં અનેક સામાજિક કાર્યક્રમોનું આયોજન
- કાર્યક્રમોમાં વિજય રૂપાણીએ પણ આપી હાજરી
- કાર્યકર્તાઓનો રૂપાણીએ જુસ્સો વધાર્યો
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં રાજકોટમાં પણ ગરીબોને ગેસકીટનું વિતરણ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશેષ હાજરી આપી હતી. આ સાથે જ વિજય રૂપાણીએ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ વિધાનસભા 69 મત વિસ્તારના બૂથના વાલી અને ઇન્ચાર્જ કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક બેઠક યોજીને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
હું અગાઉ પણ સીએમ હતો અને હજુ પણ છૂ: રૂપાણી
વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન જણાવ્યુંહતું કે,"હું જ્યારે રાજ્યનો મુખ્યપ્રધાન નહોતો તે પહેલાં પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું અને આગામી દિવસોમાં પણ સીએમ જ રહેવાનો છું, એટલે કે કોમન મેન, હું કોમન મેન હતો અને હજુ પણ કોમનમેન છું. ભાજપના કાર્યકર્તાઓ માટે પદ મહત્ત્વ હોતું નથી". જ્યારે તેમને વધુમાં જણાવ્યું હતું કે, મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું હતું. આ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે છે. બાકી છોડવું અઘરૂ છે ભાઇ, ખાલી એક સરપંચનું તો રાજીનામું માગી જુઓ".
આ પણ વાંચો : પ્રધાનપદ ગુમાવ્યા બાદ ધારાસભ્યોએ કઈ રીતે ઉજવ્યો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ?
દેને વાલા ઉસકા ભલા ન દેને વાલા ઉસકા ભી ભલા
વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, "આપણે એટલા માટે કામ કરી રહ્યા છીએ કે આપણે પણ પદને કોઈ મહત્વ આપતા નથી. તેમજ જ્યારે પણ કાર્યકર્તા તરીકે પાર્ટી જે આપે ત્યારે દેને વાલા ઉસકા ભલા ઔર ન દેને વાલા ઉસકા ભી ભલા આ પ્રકારે આપણે કામ કરનારા કાર્યકર્તાઓ છીએ. ઘણા એવા કાર્યકર્તાઓ છે જેને જીવનમાં કંઈ મળ્યું નથી છતાં પાર્ટી માટે કામ કરતા હોય છે. જ્યારે આપણને તો પાર્ટી એ ઘણું બધું આપ્યું છે. તેમજ મને જીવનમાં પણ પાર્ટીએ ઘણું આપ્યું છે".
આ પણ વાંચો : નવું પ્રધાન મંડળ બનતા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર, 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા
વજુભાઇ વાળા સાથે રૂપાણીએ કરી ચર્ચા
પીએમ મોદીના જન્મદિવસ નિમિતે રાજકોટ શહેરનાં એરપોર્ટ રોડ નજીક હોટલમાં રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાણાં પ્રધાન તેમજ પૂર્વ કર્ણાટકના રાજયપાલ એવા વજુભાઇ વાળા બન્ને દિગગજ ભજોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ દરમિયાન બન્ને એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જેને લઈને આગામી દિવસોમાં રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.