- રાજકોટમાં ભારે વરસાદ
- રોડ-રસ્તાને રૂપિયા 3 કરોડથી વધુનું નુકશાન
- મનપા દ્વારા કરવામાં આવ્યો સર્વે
રાજકોટ: શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં 10 થી 25 જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં સરેરાશ 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના અનેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ભારે નુકસાન જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર ખાડા પડી જવાની ઘટના સામે આવી હતી. કેટલાક વિસ્તારોના માર્ગનું ધોવાણ થયું હતું. એવામાં રાજકોટ મનપાએ સર્વે હાથ ધર્યો હતો. તેમજ કયા કયા વિસ્તારમાં રોડ રસ્તાને નુકસાન થયું છે. તે અંગેની માહિતી સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, રાજકોટમાં ભારે વરસાદને કારણે અંદાજિત ત્રણ કરોડથી વધુના રોડ રસ્તાને નુકસાન થયું છે.
હાલ રોડ-રસ્તાનું સમારકામ કરવાનું શરૂ
રાજકોટ ભારે વરસાદને પગલે રૂપિયા ત્રણ કરોડથી વધુના રોડ રસ્તા અને નુકસાની થઈ હોવાની વાત સામે આવી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદીપ ડવ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, હાલ રોડ-રસ્તાઓના સમાર કામ કરવાનું કામ શરૂ છે. આગામી દિવસોમાં વરસાદ રહી જશે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. તેમાં જરૂર પડ્યે નવા રોડ-રસ્તા પણ બનાવામાં આવશે અને આ કામમાં રાજ્ય સરકારની પણ મદદ લેવામાં આવશે. શહેરીજનોને મુશ્કેલીઓ ન સર્જાય તે માટે રાજકોટ મનપા હરહંમેશ કાર્યશીલ છે.