- બુધવારે રાજકોટમાં ઈટાલીયાના ધામા
- 200 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
- બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
રાજકોટ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા બુધવારે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં ખાનગી પાર્ટીપ્લોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું. જેમાં ગોપાલ ઇટાલીયા ભાગ લેવા આવ્યા હતા. તેઓ જેવા જ રાજકોટમાં આવ્યા અને સંમેલન સ્થળે ખાતે પહોંચ્યા તે સમયે બ્રહ્મ સમાજના કેટલાક આગેવાનો દ્વારા તેમના વિરોધ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ઘટના સ્થળે પોલીસ હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો પરંતુ આ તમામ વિરોધ કરતા આગેવાનો અને યુવાનોને પોલીસે અટકાયત કરી હતી.
200થી વધુ કાર્યકર્તા આપમાં જોડાયા
રાજકોટમાં આવેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં 200 કરતાં વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં મોટાભાગના યુવાનો અને મહિલાઓનો સમાવેશ થતો હતો. આ લોકો અગાઉ અલગ અલગ પક્ષમાં હતા. જેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ બુધવારે ધારણ કર્યો હતો. જેમને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી માટે કામ કરશે તેવો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.
આ પણ વાંચો : વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે
જન સંવેદના યાત્રા દરમિયાન રાજકોટ ખાતે આવ્યા
ગુજરાતમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય મળે તેમજ તેમના પરિવારના ગુજરાન માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં જનવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગોપાલ ઇટાલીયા પણ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. રાજકોટમાં પણ તેમનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ તેમની હાજરીમાં 200 જેટલા નવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ભાજપ આપથી ડરી ગયો છે - ઇટાલીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો મારો વિરોધ કરવાથી કે પત્રિકા વેચવાથી કોરોના મૃત્યુ પામેલા પરિવારના લોકોને સહાય મળતી હોય અથવા રાજ્યમાં ગરીબ બાળકોને સારું શિક્ષણ મળતું હોય તો મારો વિરોધ કરવો જોઈએ. તેમજ જાહેરમાં જ મને ફાંસી આવી જોઈએ પરંતુ ચૂંટણી સમયે આ પ્રકારનો વિરોધ થાય તે સમજી શકાય છે. ભાજપ આમ આદમી પક્ષથી ડરી રહ્યું છે. જેના કારણે તેમના આકાઓ દ્વારા ભાડૂતી માણસો મોકલીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનવાની છે. તે સમયે આ તમામ વસ્તુઓ બહાર આવશે.
આ પણ વાંચો : રાજકોટમાં AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ વિધાનસભા-2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરી
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
હજુ પણ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી ગઈ નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા 200થી વધારે લોકોને પાર્ટી પ્લોટ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા. જ્યારે અહીં મોટા ભાગના લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ હતા. વિચારવા જેવી બાબત એ પણ છે કે અહીં પોલીસની હાજરી હોવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ખુદ ગોપાલ ઇટાલીયા પણ માસ્ક વગર સ્ટેજ પર જાહેરમાં જ બેઠા હતા.