- રાજકોટ જિલ્લા જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી
- 31st ડિસેમ્બરથી જેલમાં FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મુકાય
- નવેમ્બરમાં અમદાવાદ જેલમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાય
- સુરત અને વડોદરા જેલમાં પણ FM ગુંજતુ થશે
રાજકોટઃ શહેરની જેલમાં 31st ડિસેમ્બરથી ગુંજશે FM રેડિયો, મધ્યસ્થ જેલના કેદીઓ હવે રેડિયો જોકી બનવા જઈ રહ્યા છે. 31st ડિસેમ્બરથી જેલમાં FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મુકવામાં આવી છે. આ માટે જેલની બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ પણ લગાવામાંં આવી છે. SP બન્નો જોશીનાં જણાવ્યા મુજબ રાજ્ય જેલના એડિશનલ DG રાવના હસ્તે FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવી છે. હાલ આ કાર્યક્રમ માત્ર જેલ માટે સિમિત રહેશે. ભવિષ્યમાં તમામ શ્રોતાઓ માટે આ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવશે.
પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જોકીની અપાશે તાલીમ
રાજકોટ જિલ્લા જેલમાં FM રેડીયો લોકલ FM સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. જેમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડાયેલી રહેશે. હાલમાં પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જોકીની તાલીમ આપવામાં આવી છે. આ કેદીઓ જ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે તેનું વિવરણ કરશે. આ સાથે કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસસભર વાતો પણ પ્રસ્તુત કરશે.
31મી ડિસેમ્બરથી શરૂ થઈ સુવિધા
આ ઉપરાંત એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી સરળતાથી પહોંચતી કરી શકશે. અમદાવાદ જેલમાં નવેમ્બર મહિંનાથી આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા 31મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. હવે પછી બરોડા, સુરત જેલમાં નજીકના દિવસોમાં જ FM ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો નિર્ણય છે.