- 4 માસની નવજાત પુત્રી અને 8 વર્ષના પૂત્રનો બચાવ
- ગેસ લીકેજ થતા લાગી આગ
- માતા બાળકોને લઈ બાથરૂમમાં પૂરાઈ ગઈ
રાજકોટ: શહેરના બેડીનાકા નજીક આવેલા રાણીમા રૂડીમા મંદિર પાસે નકલંક ચોકના કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે ગેસ લિકેજથી આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાં જ સમયસુચકતા વાપરી ઘરમાં રહેલી મહિલા પોતાની 4 માસની નવજાત પુત્રી અને 8 વર્ષના પુત્રને લઇ બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. જ્યારે ફાયરૅબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી મહામહેનતે ફસાયેલા ત્રણેયને બહાર કાઢ્યા હતાં.
આ પણ વાંચો: પોરબંદર ખાતે રહેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી
ફાયર ઓફિસરે નવજાત બાળકીને છાતીએ લગાવીને દોટ મૂકી
ઘટના દરમિયાન ફાયર બ્રિગેડ ઓફિસરે નવજાત બાળકીને છાતી સરસી ચાંપી દોટ મુકી હતી. આ બચાવ કામગીરી વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. આઠ વર્ષના દિકરાએ દૂધ ગરમ કરવા માટે ગેસના ચુલા પાસે જઇ દિવાસળી ચાલુ કરતાં જ અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હોવાની ચર્ચા છે. શહેરના બેડીનાકાના કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતાં વિશાલભાઈ ભુપેન્દ્રભાઇ તન્નાના ભાડાના ફલેટમાં બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના ઓફિસર આઇ. વી. ખેર સહિતનો કાફલો પહોંચ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં આગ લાગતા બે બાળકોના મોત
આગમાં મહિલા સહિત બે બાળકો ફસાયા હતા
આગ દરમિયાન ફલેટની અંદર વિશાલભાઇના પત્નિ ધારાબેન તેમજ 4 માસની પુત્રી ચાન્સી અને 8 વર્ષનો પુત્ર હર્ષ ફસાયેલા છે. આથી ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ફલેટનો દરવાજો તોડી આગ બુઝાવવાની કાર્યવાહી આરંભી હતી. આગ કાબૂમાં આવી ગયા બાદ તપાસ કરતાં બાથરૂમ અંદર ધારાબેન, પુત્ર અને પુત્રી બચવા માટે છુપાયા હોઇ ત્રણેયને ગુંગળામણ થતાં તુરત જે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જે દરમિયાન ફાયર બ્રિગેડના ઓફિસર નવજાત ચાર માસની બાળાને છાતીએ લગાવી દોટ મુકીને ઉતર્યા હતાં એ વખતે અત્યંત લાગણીસભર દ્રશ્યો ખડા થયા હતાં.